વડોદરા નજીક લામડાપુરાના ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં બે કંપનીમાં આગ

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક લામડાપુરાના ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં બે કંપનીમાં આગ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક આવેલા લામડાપુરા ખાતે આજે બપોરે એક કંપનીમાં લાગેલી આગમાં બાજુની કંપની પણ લપેટાતાં ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેતાં નાકે દમ આવ્યો હતો.

સાવલી તાલુકાના લામડાં પુરા ગામ નજીક શાહ એસ્ટેટ-૨માં રૃ નું પ્રોસેસિંગ કરતી જય અંબે નામની કંપનીમાં આજે બપોરે કોઇ કારણસર આગ લાગતાં દોડધામ મચી હતી.કંપનીના પરીસરમાં રૃ નો મોટો જથ્થો મૂકેલો હોવાને કારણે આગ ખૂબ જ તીવ્રતાથી પ્રસરી હતી અને ધુમાડાના વાદળો છવાયા હતા.લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

 આગની તીવ્રતા અને  પવનને કારણે બાજુમાં આવેલી એશિયન લાઇફ કેર નામની કંપનીમાં પણ આગ ફેલાઈ હતી અને અફરાતફરી સર્જાઇ હતી.આ કંપનીમાં ગેસના સિલિન્ડરો હોવાને કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

મંજૂસર જીઆઇડીસી અને સાવલી નગરપાલિકાના ફાયર બ્રિગેડે સ્થિતિ જોતાં વડોદરા ફાયર બ્રિગેડની  મદદ લીધી હતી. વડોદરાના ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ફાયર એન્જિનો સાથે પહોંચી ગયો હતો અને બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News