વાડી પોલીસ સ્ટેશનને અડીને આવેલી ગાદલાની દુકાનમાં સાંજે આગ લાગતાં અફરાતફરીઃચારે બાજુ ચક્કાજામ
વડોદરાઃ શહેરના ચાર દરવાજા નજીક આવેલા વાડી પોલીસ સ્ટેશનની પાસેની બ્રાન્ડેડ કંપનીના ગાદલાંની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી.બનાવને પગલે ચારે બાજુ ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ગેંડીગેટ દરવાજા પાસે આવેલા વાડી પોલીસ સ્ટેશનને અડીને ત્રણ માળનું જૂનું લાકડાનું મકાન આવેલું છે.જેની નીચેના ભાગે બ્રાન્ડેડ કંપનીઓના તૈયાર ગાદલા અને અન્ય ચીજોની દુકાન છે.ઉપરના માળનો સ્ટોરરૃમ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તેમ મનાય છે.જ્યારે,તેની ઉપર બીજા માળે કોઇ રહેતું નહતું.
આજે સાંજે પહેલા માળેથી ધુમાડા નીકળવા માંડતા બૂમરાણ મચી હતી અને નાસભાગ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.આગ ઝડપભેર પ્રસરી રહી હોવાથી અને વાડી પોલીસ સ્ટેશનમાં પણ ધુમાડા પ્રસરવા માંડતા પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી હતી.
દિવાળીની ખરીદીને કારણે ચાર દરવાજા વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોવાથી ફાયર બ્રિગેડને આવતાં થોડી અડચણ પડી હતી. આગનું સ્વરૃપ જોતાં સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ ગાજરાવાડી,દાંડિયાબજાર અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમોને બોલાવી લીધી હતી.
આગ પોલીસ સ્ટેશન સુધી ના પહોંચે તે રીતે પાણીનો મારો ચલાવી પોણા કલાક બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.આ દરમિયાન ટ્રાફિક જામ થતાં પોલીસે થોડી વાર માટે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો.