સાક્ષીઓના સમન્સ આરોપીને બજાવી દેનાર જમાદારને ૧૦ હજારનો દંડ
સમન્સ અને વોરંટની બજવણીને ગંભીરતાથી નહીં લેનાર પોલીસ સ્ટાફ માટે લાલબત્તી સમાન કિસ્સો
,લૂંટના ગુનાની ટ્રાયલ દરમિયાન કોર્ટ દ્વારા કેસના સાક્ષીઓના સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. પરંતુ, સમન્સ બજવણીની કામગીરી કરતા પોલીસ જવાને આરોપીને બજાવી દીધા હતા. આવી ગંભીર ભૂલ અંગે કોર્ટે કડક પગલા ભર્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને કહ્યું હતું. પોલીસ જવાનની ભૂલને ધ્યાને લઇ પોલીસ કમિશનર દ્વારા ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.
ગત તા.૨૪ માર્ચ ૧૯૯૭ ના રોજ મુંબઇ અંધેરી વેસ્ટ, દાદાભાઇ રોડ પર રહેતા ઐયુબ અલીભાઇ હમજાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મોહન માળી સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. તેનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટની ટ્રાયલ દરમિયાન મેજિસ્ટ્રેટ દ્વારા સાક્ષીઓને હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ સમન્સ તા. ૨૧ - ૦૪ - ૨૦૨૩ પહેલા બજવવાના હતા. પરંતુ, મકરપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એ આ સમન્સની બજવણી કેસના આરોપીને કરી હતી.
આવી ગંભીર ભૂલ સંદર્ભે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે પોલીસ કમિશનરને લેખિતમાં જણાવ્યું હતું કે, સંબંધિત એ.એસ.આઇ. ના પગારમાંથી કોસ્ટ વસુલવી. અને તેની સામે કરેલી કાર્યવાહીની જાણ કોર્ટને કરવા કહ્યું હતું. કોર્ટ દ્વારા તા. ૨૪ - ૦૪ - ૨૦૨૩ ના રોજ પાઠવવામાં આવેલા પત્ર સંદર્ભે પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન - ૩ ને તપાસ સોંપવામાં આવી હતી. એ.એસ.આઇ.દ્વારા ફરીથી આવા પ્રકારની ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી, ડીસીપી દ્વારા એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ શિવસિંહને ૧૦ હજાર રોકડા દંડની શિક્ષા કરાઇ છે. સમન્સ અને વોરંટની બજવણીને ગંભીરતાથી નહીં લેતા પોલીસ જવાનો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.