Get The App

ડોક્ટરને તાબે નહીં થનાર મહિલા ફાર્માસિસ્ટને નોકરી ગુમાવવી પડી

તું મને મળવા આવ, તું નહીં માને તો તને બદનામ કરી દઇશ, ક્યાંયની પણ નહીં રાખું : ડોક્ટરની ધમકી

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ડોક્ટરને તાબે નહીં થનાર મહિલા ફાર્માસિસ્ટને નોકરી ગુમાવવી પડી 1 - image

વડોદરા,મહિલા ફાર્માસિસ્ટનો સતત પીછો કરી રિલેશન રાખવા માટે દબાણ કરી ડોક્ટર દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. ડોક્ટરે એક હોસ્પિટલમાંથી મહિલાની નોકરી પણ છોડાવી દીધી હતી. જે અંગે અટલાદરા  પોલીસે ગુનો દાખલ કરી ડોક્ટરની ધરપકડ કરી છે.

ફાર્માસિસ્ટ તરીકે કામ કરતી મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તાંદલજાના મેડિકલ સ્ટોરમાં  કલ્પના  ગૃપ ઓફ હોસ્પિટલના ડો. નિમેષ નિરંજનભાઇ ચૌહાણની ભાગીદારી હતી. હું જ્યારે મેડિકલ સ્ટોરમાં જઉં ત્યારે ડોક્ટરના વર્તનમાં પરિવર્તન આવી જતું હતું. તેઓ કોમેન્ટ કરી અવાર - નવાર મને બોલાવતા હતા. પરંતુ, હું ત્યાંથી નીકળી જતી હતી. ત્યારબાદ મેં ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. હું અન્ય એક મેડિકલ સ્ટોર પર બેસતી હતી. તે સમયે ડોક્ટર કોઇ પણ બહાનું કાઢીને ત્યાં  આવતા હતા.  અન્ય લોકો મારફતે કોલ કરીને તેમજ  મેસેજ કરીને ધમકી આપતા હતા કે, તું મને મળવા આવ. મારી સાથે વાતચીત કર, તું નહીં માને તો તને બદનામ કરી  દઇશ, ક્યાંયની પણ નહીં રાખું, મારા તાબામાં આવવા સિવાય તારી પાસે કોઇ રસ્તો નથી.

ત્યારબાદ મેં અન્ય સ્થળે નોકરી શરૃ કરી હતી. ત્યારે પણ ડોક્ટર મારા  પાછળ આવીને વાત કરવાની કોશિશ કરતા હતા. મેં વાત નહી કરતા તેમણે મને નોકરીમાંથી કઢાવી મૂકી હતી. ગત તા. ૩૦ મી ઓક્ટોબરે હું મોપેડ લઇને અન્ય  હોસ્પિટલમાં નોકરી કરવા માટે નીકળી હતી. તે સમયે ડોક્ટર તેમની કાર લઇને મારી  પાછળ આવ્યા હતા. તે અટલાદરા સ્વામિ નારાયણ મંદિરના ગેટ પાસે આવીને ઉભા રહી ગયા હતા. તું મારી સાથે કેમ વાત કરતી નથી. હું તને બદનામ કરી દઇશ. હેરાન કરી નાંખીશ. ડોક્ટર હોસ્પિટલ સુધી મારી પાછળ આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ડો. નિમેષ નિરંજનભાઇ ચૌહાણ ( રહે. અક્ષર દર્શન ડૂપ્લેક્સ, અટલાદરા) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News