પુત્રીને બચાવવા ગયેલા પિતાની આંખમાં મરચાની ભૂકી નાંખી હુમલો
૧૩ વર્ષની કિશોરીને કમરના ભાગેથી પકડી આરોપી અંધારામાં ખેંચી જતો હતો
વડોદરા,પુત્રીને હવસખોરની ચુંગલમાંથી બચાવવા દોડી ગયેલા પિતાની આંખમાં હવસખોર અને તેના ઓળખીતાએ મરચાની ભૂકી નાંખી માર માર્યો હતો.
શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૩ વર્ષની કિશોરી ગત તા.૨૬મી એ સાંજે સાડા સાત વાગ્યે કિશોરી મજૂરી કામનું પૂછવા ઘરેથી નીકળી હતી. તે દરમિયાન આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોનુ જીતુભાઇ પાટણવાડિયાએ ધસી આવ્યો હતો. તેણે કિશોરીને કમરના ભાગેથી બાથ ભરી લીધી હતી. અને શારીરિક અડપલા શરૃ કરી કિશોરીને અંધારામાં ખેંચી જતો હતો. કિશોરીએ બૂમાબૂમ કરતા તેના પિતા દોડી આવ્યા હતા. તેમણે પ્રફુલ્લને તમાચા મારી દીધા હતા. તે દરમિયાન પ્રફુલ્લનો ઓળખીતો સગીર વયનો કિશોર પણ દોડી આવ્યો હતો. તે દોડીને નજીકથી મરચાની ભૂકી લઇ આવી કિશોરીના પિતાની આંખમાં નાંખી દીધી હતી. ત્યારબાદ તેઓએ કિશોરીના પિતાને માર માર્યો હતો. બૂમાબૂમ થતા અન્ય લોકો દોડી આવતા આરોપીઓ ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.