પાદરાના તીથોર ગામે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો : 11 છોડ કબજે
- પાદરા તાલુકાના તીથોર ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા ખેડૂતને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા.તા.15 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સામંત શીવાભાઈ પરમારે તિથોર ગામની સીમ નહેર વગા વિસ્તારમાં અમિતકુમાર બળવંતસિંહ પરમારનું ખેતર ભાગે રાખ્યું છે અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજાના લીલાછોડનું વાવેતર કર્યું છે. ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખેતરની ઓરડીમાં બહાર ખટલા પર એક વ્યક્તિ સૂતો હતો તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામંતભાઈ પરમાર જણાવ્યું હતું અને પોતે અમિતકુમાર પરમારનું ખેતર ભાગે રાખીને ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું. રાતનું અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઈટ લગાવી હતી. ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. ખેતરના માલિક અમિત કુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ જમીન સામંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી. મહિનામાં એકાદવાર ખેતરે આવે છે. પોલીસને ગાંજાના 11 છોડ 4.7 કિલોના કિંમત રૂપિયા 47 હજારના મળી આવ્યા હતા જે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.