વડોદરામાં શિકાર કરવા માટે આકાશમાંથી ઝડપભેર નીચે ત્રાટકી રહેલું બાજ પક્ષી ઘાયલ

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
વડોદરામાં શિકાર કરવા માટે આકાશમાંથી ઝડપભેર નીચે ત્રાટકી રહેલું બાજ પક્ષી ઘાયલ 1 - image


- પક્ષીની પાંખ તાર અથવા દોરામાં ફસાઈ જતા ઘાયલ, છ ટાંકા લેવા પડ્યા

- શહેરમાં જવલ્લે જ બાજ પક્ષી જોવા મળે છે

- બાજ સાજુ થઈ જતા ફરી છોડી મુકાશે 

વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર

શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવી રહેલા બાજ પક્ષીની પાંખો તારમાં આવી જતાં તે ઘાયલ થઈ જતા એપાર્ટમેન્ટની છત ઉપર તરફડિયા મારતા તેને વડોદરાના કમાટી બાગમાં આવેલા વન વિભાગના એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવાયું હતું. જ્યાં ઘાયલ બાજની કરુણા એમ્બ્યુલન્સના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. બાજની પાંખમાં ઇજા થઇ હોવાથી ટાંકા લેવા પડ્યા હતા. પેરેગ્રિન ફાલ્કન નામક અને ગુજરાતીમાં બાજ તરીકે ઓળખાતું આ શિકારી પક્ષી સામાન્ય રીતે જંગલો કે પહાડી વિસ્તારમાં જ જોવા મળે છે. આ બાજ 320 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકતું હોવાથી તેને સટિક શિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની જોવાની શક્તિ પણ ખૂબ હોય છે. એટલે ખાસ્સી ઉંચાઇએથી પણ જમીન ઉપર રહેલા શિકારને જોઇ ઝડપી લે છે. ઉંદર, નાના પક્ષીઓનો સામાન્ય રીતે આ પક્ષી શિકાર કરતું હોય છે.

વડોદરા શહેરમાં જવલ્લે જ જોવા મળતું બાજ તા.05ના રોજ એલઆઇસી પાછળ આવેલા સમતા એપાર્ટમેન્ટમાં ઘાયલ થઇ પડ્યું હોવાની માહિતી મળતા તેને ત્યાંથી લઈને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામા આવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ  જણાવ્યું કે, શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવી રહેલા બાજની પાંખો તાર કે દોરામાં ફસાઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે આ બાજ વડોદરામાં જોવા મળતું નથી. કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટરોએ બાજની ડાબી પાંખમાં લાગેલા ઘાને સાફ કરીને છ જેટલા ટાંકા લીધા હતા. એક પખવાડિયા જેટલા સમયગાળામાં આ બાજ ફરી સ્વસ્થ થઇ જશે. ત્યાં સુધી વન વિભાગનું મહેમાન બની આરામ કરશે. તેના માટે અલગ પીંજરૂ રાખવામાં આવ્યું છે. સાજું થયા બાદ તેને છોડી મૂકવામાં આવશે.


Google NewsGoogle News