ખનિજનું ટેસ્ટિંગ કરતી એજન્સીનું જ માટી ભરેલું ડમ્પર જપ્ત કરાયું
ખોડિયારનગર પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું ઃ કુલ રૃા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા, તા.1 ખનિજનું ટેસ્ટિંગ કરતી રિસર્ચ કંપની દ્વારા જ માટી ખોદકામ અને તેના વહન માટેની મંજૂરી વગર માટી લઇને જતા એક ડમ્પરને ખાણખનિજખાતાએ ઝડપી પાડયું હતું.
આ અંગેની વિગત એવી છે કે માણેજા વિસ્તારમાં ખાણખનિજખાતાની ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર અથવા ઓવરલોડ ખનિજનું વહન કરતા વાહનો ચેકિંગની કામગીરી હાથ ધરાતી હતી ત્યારે માટી ભરેલું એક ડમ્પર ત્યાંથી પસાર થતાં તેને રોકી ચાલક પાસે માટીના ખોદકામ તેમજ તેના વહન માટેની મંજૂરી માટેના પુરાવા માંગતા મળ્યા ન હતાં. જેથી માટી ભરેલું આખું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું.
ખાણખનિજખાતાની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે માટી સહિત અન્ય ખનિજનું ટેસ્ટિંગ કરતી એક ખાનગી રિસર્ચ કંપનીની ઓફિસનું કન્સ્ટ્રક્શન મકરપુરા રેલવે સ્ટેશન પાસે ચાલે છે. આ સાઇટ પરથી માટી ભરેલું ડમ્પર લઇને જવાતું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે માટી ખોદીને અન્ય સ્થળે લઇ જવા માટે રિસર્ચ કંપની દ્વારા ખાણખનિજખાતાની કોઇ મંજૂરી લેવામાં આવી ન હતી જેના પગલે હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત ખોડિયારનગર ચોકડી પાસેથી પસાર થતા રેતી ભરેલા એક ડમ્પરને રોકી તપાસ કરતાં રેતીનો રોયલ્ટીપાસ મળ્યો હતો પરંતુ ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી જણાતા વજન કરાવતા ઓવરલોડ ડમ્પર જણાયું હતું જેના પગલે આ ડમ્પરને પણ જપ્ત કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના ફતેપુરા ખાતેથી રેતી ભરેલું ડમ્પર લવાયું હોવાની વિગતો જાણવા મળી હતી. તંત્ર દ્વારા કુલ રૃા.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.