Get The App

દેડિયાપાડામાં પોલીસનો જાહેરમાં તમાશો નશેબાજ કોન્સ્ટેબલે ધારાસભ્યની ઓફિસ પર લઘુશંકા કરી ગાળો ભાંડી

કાર્યકરોએ કોન્સ્ટેબલના તમાશાનો વીડિયો ઉતાર્યો ઃ પોલીસે ગુનો નોંધી કોન્સ્ટેબલની ધરપકડ કરી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
દેડિયાપાડામાં પોલીસનો જાહેરમાં તમાશો  નશેબાજ કોન્સ્ટેબલે ધારાસભ્યની ઓફિસ પર લઘુશંકા કરી ગાળો ભાંડી 1 - image

રાજપીપળા ,દેડિયાપાડા તા.૧૧ નર્મદા જિલ્લા પોલીસની આબરૃના ધજાગરા ઉડયા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. નર્મદા જિલ્લાના એકતાનગર ટ્રાફિક પોલીસ ખાતે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે  દારૃ ઢીંચીને દેડીયાપાડાના ધારાસભ્યની ઓફિસે પેશાબ કરી ધારાસભ્ય સહિત તેમના પરિવારજનોને જાહેરમાં બેફામ બીભત્સ ગાળો ભાંડતા મામલો ગરમાયો હતો. પોલીસ કોન્સ્ટેબલના આ તમાશાના પગલે ધારાસભ્યના સમર્થકો ઘટનાસ્થળે દોડી આવતાં ટોળે ટોળા એકઠા થયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ એકતાનગર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપ અમરસિંગ વસાવાએ સોમવારનીં રાત્રે આઠ વાગ્યાની આસપાસ દારૃના નશામાં ભાન ભૂલી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમનાં પરિવારજનોને જાહેરમાં અપશબ્દો બોલી દેડિયાપાડામાં ધારાસભ્યની ઓફિસના શટર ઉપર પેશાબ કરતા મામલો ગરમાયો હતો. ધારાસભ્યના સમર્થકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી પ્રદીપ વસાવાને પોલીસ મથક લઈ આવી હતી.

કોન્સ્ટેબલના જાહેરમાં તમાશા બાદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દેડીયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા. આ અંગે જગદીશ મંછીભાઈ વાસવા (રહે.થાણા ફળિયું, દેડીયાપાડા)ની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી પીધેલા પોલીસ જવાન પ્રદીપ અમરસિંગ વસાવાને જેલમાં ધકેલી દીધો હતો.

કોન્સ્ટેબલે પોલીસ મથક પણ માથે લીધું ઃ આખરે સસ્પેન્ડ

પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંગ વસાવાને દેડીયાપાડા પોલીસ પકડી પોલીસ મથકે લાવી ત્યારે પણ પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મચારીઓને પ્રદીપ વસાવાએ ગાળો બોલી અને તેમની સાથે ઝપાઝપી કરી હતી, અને જોર જોરથી બૂમો પાડી પોલીસ સ્ટેશન ગજવી મૂક્યું હતું. દેડીયાપાડા ખાતે દારૃ પીને ધાંધલ ધમાલ મચાવનાર પોલીસ કોન્સ્ટેબલને નર્મદા જિલ્લાના  ડીએસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.


Google NewsGoogle News