નશેબાજ કાર ચાલકે ફૂટપાથ પર સૂતા શ્રમજીવી દંપતી પર કાર ચઢાવી દીધી
દંપતી પર કાર ચઢાવ્યા પછી પલટી ગઇ : લોકોએ નશેબાજ કાર ચાલકને પકડી પોલીસને સોંપી દીધો
વડોદરા,હાઇવે આજવા ચોકડી પાસે ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પરિવાર પર નશેબાજ કાર ચાલકે કાર ચઢાવી દીધી હતી. ત્યારબાદ કાર પલટી ખાઇ જતા લોકોના ટોળા ભેગા થઇ જતા નશેબાજ કાર ચાલકને પકડીને બાપોદ પોલીસને સોંપી દીધો હતો. બાપોદ પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી નશેબાજ કાર ચાલકની ધરપકડ કરી છે.
અમદાવાદના કાંકરિયા તળાવ પાછળ સલાટ નગરમાં રહેતા કાલીયાભાઇ ભીખાભાઇ સલાટનો શ્રમજીવી પરિવાર હાલમાં આજવા ચોકડી પાસે આઇલેન્ડ - ફૂટપાથ પર રહે છે. ગઇકાલે મોડી રાતે શ્રમજીવી પરિવાર જમીને ફૂટપાથ પર સૂઇ ગયો હતો. મોડી રાતે સવા ત્રણ વાગ્યે આજવા રોડ કમલા નગર તરફથી એક નશેબાજ કાર ચાલક પૂરઝડપે હાઇવે તરફ જતો હતો. તે દરમિયાન તેણે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ફૂટપાથ પર સૂઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ચઢી ગઇ હતી. ત્યારબાદ કાર પલટી ગઇ હતી. કાલીયાભાઇને કમર, જમણી આંખ, ડાબા હાથ અને ખભા પર ઇજા થઇ હતી. જ્યારે તેમના પત્નીને કમરના ભાગે ઇજા પહોંચી હતી. કાર ધડાકાભેર અથડાતા નજીકમાં સૂતા અન્ય શ્રમજીવીઓ જાગી ગયા હતા. અને ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દંપતીના બે નાના બાળકોનો અકસ્માતમાં બચાવ થયો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી નશેબાજ કાર ચાલક અક્ષય મુકેશભાઇ સુથાર ( રહે. ગામ અલારસા, ઉંડું ફળિયું તા. બોરસદ, જિ.આણંદ) ની સામે ગુનો દાખલ કરી ઝડપી પાડયો હતો. પોલીસે પ્રોહિબીશનનો અલગ ગુનો દાખલ કર્યો હતો.
શેઠના છોકરાને ગરબામાં મૂકીને પરત આવતા અકસ્માત થયો
વડોદરા,નશેબાજ કાર ચાલકની પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળ્યું હતું કે, અક્ષય ડ્રાઇવિંગની નોકરી કરે છે. આજવા રોડ ભાઇલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અને બોરસદમાં ગૌ શાળા ચલાવતા કમલેશ મહારાજની ત્યાં નોકરી કરે છે. ગઇકાલે રાતે શેઠના છોકરાને ગરબામાં મૂકીને તે પરત જતો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો.આરોપીએ ક્યાં દારૃ પીધો હતો ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.