આજવા રોડ નિમેટા ગામ નજીક નશેબાજ કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા
સગર્ભાને ગંભીર ઇજા થતા ગર્ભમાં ઉછરતા શિશુનું અવસાન : દંપતી અને તેઓની બાળકી સયાજીમાં સારવાર હેઠળ
વડોદરા,આજવા રોડ નિમેટા ગામ નજીક રોડ નશેબાજ કાર ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ સગર્ભાના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું છે. વાઘોડિયા પોલીસે દારૃનો નશો કરી કાર ચલાવતા ટીનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામે શ્રી હરિનંદન સોસાયટીમાં રહેતો રવિ વડોદરા કોર્પોરેશનમાં સફાઇ કામદાર છે. તે અને તેની પત્ની દિપીકા ગઇકાલે સાંજે તેમની દીકરીને સ્કૂલેથી લઇને બાઇક પર ઘરે પરત આવતા હતા. તે સમયે જેસીંગપુરા ગામથી નિમેટા ગામ તરફ જવાના રોડ પર એક કાર ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા ત્રણેય જણા રોડ પર ફંગોળાઇને પડતા ઇજા થઇ હતી. દંપતી બેભાન થઇ ગયું હતું. જ્યારે નાની બાળકીને પણ સામાન્ય ઇજા થઇ હોઇ એક રાહદરી તેને લઇને ઉભો હતો. બનાવની જાણ રવિના પિતાને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બેભાન રવિ અને તેની પત્ની દિપીકાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દિપીકાને નવ મહિનાનો ગર્ભ હોવાથી તેેને ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. લોકોએ અકસ્માત કરનાર કાર ચાલક અને તેના મિત્રને ઝડપી લીધા હતા. બંનેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. તેઓએ દારૃનો નશો કર્યો હોવાથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અકસ્માતમાં સગર્ભા દિપીકાના ગર્ભમાં રહેલા ૯ મહિનાના બાળકનું મોત થતા ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવ્યું હતું.
સગીર વયના કાર ચાલકના પિતા યુનિવર્સિટીમાં કેન્ટીન ચલાવે છે
વડોદરા,કાર ચાલકના પિતાની એમ.એસ.યુનિવર્સિટીમાં કેન્ટીન ચલાવતા હોવાની વિગતો જાણવા મળી છે. કાર ચાલક સગીર હોવા છતાંય પિતાએ તેને કાર ચલાવવા આપી હતી. જેથી, પોલીસે તેના પિતાની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. સફાઇ કામદારના પેટનું આંતરડું ફાટી ગયું છે. નાની બાળકીને પણ ગંભીર ઇજા થઇ છે.