અંધારીયા ચકલા નજીક નશામાં ધુત કારચાલકે બાઈકને અડફેટે લીધી
આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની વધુ એક ઘટના
ઇજાગ્રસ્તને ૧૦૮ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
આણંદ: આણંદ તાલુકાના નાવલી-નાપાડ રોડ ઉપર નશામાં ધુત કારચાલકે ત્રણ મોટરસાયકલને અડફેટે લઈ ચારને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટનાની યાદ હજી તાજી છે ત્યાં આજે બપોરના સુમારે બોરસદ રોડ ઉપર આવેલ અંધારીયા ચકલા નજીક વધુ એક ડ્રિંન્ક એન્ડ ડ્રાઈવની ઘટનામાં નશો કરેલ કારચાલકે એક બાઈકચાલકને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આજે બપોરના સુમારે જીટોડીયાથી બોરસદ તરફ જવાના માર્ગ ઉપર અંધારીયા ચકલા નજીક દારૂના નશામાં ચુર એક કારચાલકે પોતાની કાર બેફામપણે હંકારતા એક બાઈકચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈકચાલક આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તપાસ કરતા કારચાલક નશામાં ચકચુર હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકોએ કારમાં તપાસ કરતા ગાડીમાંથી પાણીની બોટલમાં વિદેશી દારૂ ભરેલ જોવા મળ્યો હતો. સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઈ જતા કારચાલક ગભરાઈ ગયો હતો અને બોલવાની પણ હાલતમાં તે ન હતો. આ ઘટનાની જાણ આણંદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારચાલકની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોવાની ચર્ચાઓ વચ્ચે આણંદ જિલ્લામાં ઠેર-ઠેર પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ચર્ચાતી વાતો મુજબ જિલ્લામાં વિવિધ સ્થળોએથી ઝડપાતા વિદેશી દારૂના જથ્થા કરતા અનેકગણો વિદેશી દારૂનો જથ્થો રોજબરોજ જિલ્લાના વિવિધ સ્થળોએ ઠલવાઈ રહ્યો છે અને આ વાતથી જે-તે વિસ્તારના કેટલાક પોલીસકર્મીઓ પણ સારી રીતે વાકેફ છે. નશામાં ધુત નાપાડના જેનીશ પટેલે તાજેતરમાં જ નાવલી-નાપાડ રોડ ઉપર રાત્રિના સુમારે બેફામ કાર હંકારી ત્રણ મોટરસાયકલને અડફેટે લીધા હતા. જેમાં સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકીના ચારના કરૂણ મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં જેનીશ પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે.