નવાયાર્ડમાં વેરહાઉસમાં લાગેલી આગમાં ફાયર NOC ની જવાબદારી કોની..ફાયર બ્રિગેડે ફેકટરી ઇન્સ્પેક્ટર પર ઢોળ્યું
વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં બંધ પડેલી અપાર ઇન્ડસ્ટ્રિઝની જગ્યામાં બનાવેલા વેરહાઉસમાં લાગેલી આગના બનાવમાં ફાયર સેફ્ટી પ્રત્યેની બેદરકારી તપાસનો મુખ્ય મુદ્દો બની છે.ફતેગંજ પોલીસે આગનું કારણ જાણવા માટે આજે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ પણ લીધી હતી.
નવાયાર્ડ વિસ્તારમાં મધુનગર પાસે બંધ પડેલી અપાર કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી વિશાળ ગોડાઉન બનાવીને હોમ ડેકોરની ચીજોની ઓનલાઇન ડિલિવરી આપવામાં આવી રહી છે.જે દરમિયાન સોમવારે રાતે આગ લાગતાં ૧૦ થી ૧૨ કલાકે આગ કાબૂમાં આવી હતી.આગ બૂઝાવવા માટે ૩ લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.આગમાં વેરહાઉસનો શેડ અને કમ્પાઉન્ડ વોલ પણ તૂટી પડયા હતા.
ઉપરોક્ત બનાવમાં ફાયર સેફ્ટી પ્રત્યેની બેદરકારી સામે આવી છે.કહેવાય છે કે,ગોડાઉનમાં કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટી રાખવામાં આવી નહતી.અડધો કિમી દૂર જ ફાયર બ્રિગેડનું ટીપી-૧૩ ફાયર સ્ટેશન આવેલું છે.ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી માટે આખા શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગો, હોસ્પિટલો,શૈક્ષણિક સંકુલો વગેરેને નોટિસો આપી પગલાં લે છે.પરંતુ આવા ગોડાઉનમાં ફાયર સેફ્ટી હતી કે કેમ તેની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી દીધા છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું હતું કે,આગ લાગી તે સ્થળ ફેક્ટરી ઇન્સ્પેક્ટરના નેજામાં આવે છે.જેથી અમારે ફાયર સેફ્ટીની એનઓસી આપવાની રહેતી નથી.તો બીજીતરફ ગોડાઉનની એનઓસીની જવાબદારી ફાયર બ્રિગેડની હોવાનું ફાયર નિષ્ણાંતોનું કહેવું છે.આમ,ફાયર બ્રિગેડની બેદરકારી હોવાનું પ્રાથમિક રીતે દેખાઇ રહ્યું છે.ફતેગંજ પોલીસના પીઆઇ અજય ગઢવીએ આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
ફાયર સેફ્ટી માટે નાના દુકાનદારોને દમદાટી આપવામાં આવે છે
ફાયર સેફ્ટી માટે નાના દુકાનદારોને હેરાન કરવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે મોટા વેરહાઉસમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે ફાયર બ્રિગેડ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે.
થોડા સમય પહેલાં મંગળબજાર તેમજ અન્ય વિસ્તારના નાના વેપારીઓને ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી કેમ નથી રાખી તેમ કહી તેમને દમદાટી આપવામાં આવી હતી.
કેટલાક કર્મચારીઓએ તો વેપારીને કોની પાસે સાધનો ખરીદવા તેની ભલામણ પણ કરી હતી.વેપારીઓનું કહેવું છે કે,ફાયર સેફ્ટી જરૃરી છે.અમને ખબર નથી કે શું કરવું જોઇએ.પરંતુ કાર્યપધ્ધતિ અને વ્યવહાર વાંધાજનક હોય છે.
ટીપી-૧૩ ફાયર સ્ટેશન માત્ર અડધો કિમી દૂર હોવા છતાં ફાયર સેફ્ટી પર નજર કેમ ના પડી
નવાયાર્ડ મધુનગર વિસ્તારમાં આવેલી જૂની અપાર કંપનીમાં બનાવેલા ગોડાઉનમાં એક મહિના પહેલાં પણ આગ લાગી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,ગોડાઉનમાં બે દિવસ પહેલાં આગ લાગી તેના બીજા ભાગમાં એક મહિના પહેલાં આગ લાગી હતી.પરંતુ આ આગ સામાન્ય હોવાથી તરત જ કાબૂમાં આવી ગઇ હતી.
ઉપરોક્ત ગોડાઉનથી માત્ર અડધો કિમી દૂર જ છાણીનું ટીપી-૧૩ ફાયર સ્ટેશન આવેલું છે.એક મહિના પહેલાં ટીપી-૧૩ની ટીમે આગ કાબૂમાં લીધી હતી.છતાં અધિકારીના ધ્યાનમાં ગોડાઉનની ફાયર સેફ્ટી કેમ નજરે ના પડી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.