નર્મદામાં રેતી ખનના મુદ્દે તટવાસીઓમાં ભારે આક્રોશ,કરજણના MLAના પુત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
નર્મદામાં રેતી ખનના મુદ્દે તટવાસીઓમાં ભારે આક્રોશ,કરજણના MLAના પુત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા 1 - image

વડોદરાઃ નર્મદા નદીના વિશાળ પટમાં નારેશ્વર સહિતના સ્થળોએ આડેધડ થતા રેતીખનનનો વિવાદ ઘેરો બનતો જાય છે અને રેતી ખનન કરતા તત્વો અને ગ્રામજનો વચ્ચે વિખવાદ થતો હોવાના બનાવો બનતા હોય છે.આજે ઝઘડિયા ખાતે આ મુદ્દે ભાજપના કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો સામસામે આવી ગયા હોવાનો બનાવ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

બનાવ અંગે ઇન્દોર ગામના અગ્રણી દશરથભાઇ ઠાકોરે જણાવ્યું છે કે,આજે સવારે કરજણના ભાજપના ધારાસભ્યનો પુત્ર ષિ અક્ષય પટેલ તેના સાગરીતો લઇને મારી પાસે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે,હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ફાવે તેમ  રેતી ખોદીશ. જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કરજો.તેણે કેટલાક લોકો પર હુમલો  પણ કર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

દશરથભાઇએ આક્ષેપ કર્યો છે કે,ભરૃચના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ પણ રેતી ખનનમાં સામેલ હોય તેમ લાગે છે.ગ્રામજનોએ પણ આરોપ લગાવ્યો હતો કે,અહીં કોઇ લીઝ નથી છતાં ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલી રહ્યું છે.

ઇન્દોરના સરપંચ હસમુખભાઇ વસાવાએ જણાવ્યું હતુંકે,અમે ધારાસભ્યના પુત્રને અગાઉ પણ આ વિસ્તારમાં રેતીખનન નહિં કરવા કહ્યું હતું.આમ છતાં રેતી ખોદવામાં આવી રહી છે.ઉપરોક્ત બનાવમાં વડોદરા જિલ્લાની પોલીસ ઈન્દોરના કિનારા તરફ આવી ગઈ હતી પરંતુ હદ ઝઘડિયાની હોવાથી પોલીસે કોઇ ખાસ ભૂમિકા ભજવી નહતી.જોકે ઉપરોક્ત બનાવમાં કોઇ ફરિયાદ કરવામાં આવી નથી.

 નર્મદાના કિનારાઓ પર ઠેરઠેર રેતી માફિયાઓનો કબજો, હોડીમાં મોટર મૂકી ધૂમ ખનન

જળચર જીવોનું અસ્તિત્વ જોખમાયું, ખનન જોઇ સેંકડો પરિક્રમાવાસીઓની આંખમાં આંસુ

નર્મદા નદીના કિનારાઓ પર ઠેરઠેર રેતી ખનન કરતા માફિયાઓએ કબજો જમાની દીધો છે.નર્મદા નદીમાં રેતીખનનના દ્શ્ય જોઇ પરિક્રમાવાસીઓ પણ દ્રવી ઉઠે છે.

નર્મદા નદીમાં અનેક સ્થળોએ રેતીખનન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.રેતી માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે નદીની અંદર મોટા ડમ્પર જાય તેવા માટીના પુલ બનાવી પ્રવાહને રોકવામાં આવતો હોય છે.વળી માફિયાઓ નદીની વચ્ચે હોડી લઇને મોટર મારફતે રેતી ખનન કરી રહ્યા છે.

નર્મદા નદીમાં આડેધડ થઇ રહેલા રેતી ખનનને કારણે જળચર જીવોનું અસ્તિત્વ પણ જોખમાયું છે.ઝઘડિયાના ઇન્દોર ગામે આજે બનેલા બનાવમાં ભાજપના ધારાસભ્યના પુત્ર અને ખનિજ વિભાગના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાના ખુલ્લા આક્ષેપ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News