વડોદરાની ગૃહિણી પાસે રૃ.52 લાખ પડાવનાર દિલ્હીની ગેંગ ત્રણ મહિને કોલ સેન્ટર બદલતી હતી

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વડોદરાની ગૃહિણી પાસે રૃ.52 લાખ પડાવનાર દિલ્હીની  ગેંગ ત્રણ મહિને કોલ સેન્ટર બદલતી હતી 1 - image

વડોદરાઃ વડોદરાની ગૃહિણી પાસે રૃપિયા પડાવનાર ઠગ ગેંગ દ્વારા વારંવાર કોલ સેન્ટર બદલવામાં આવતું હોવાની માહિતી પોલીસની તપાસમાં ખૂલી છે.જેથી આ ગેંગ દ્વારા કેટલી જગ્યાએ કોલ સેન્ટર ખોલવામાં આવ્યા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.આ ગેંગના કેટલાક સાગરીત બે વર્ષથી નેટવર્ક ચલાવી રહ્યા હોવાની પણ પોલીસને જાણ થઇ છે.

વડોદરાની મહિલાને ૧૨ ઇન્સ્યોરન્સ પોલિસીના પ્રિમીયમ ભરાયા નથી અને આ પોલિસીના રૃપિયા રીફંડ કરી આપીશું તેમ કહી જુદાજુદા કારણસર રૃ.૫૨.૭૭ લાખ ટ્રાન્સફર કરાવી લેતાં તેણે સાયબર સેલને ફરિયાદ કરી હતી.જે ફરિયાદને આધારે પોલીસે દિલ્હીના રોહિણી સેક્ટરના ફ્લેટમાંથી આ ગેંગનું કોલ સેન્ટર ઝડપી પાડયું હતું.

સાયબર સેલના એસીપી સહિતની ટીમો દ્વારા ઉપરોક્ત ગેંગ પાસે મળી આવેલા ૧૬ મોબાઇલ તેમજ બે લેપટોપ સહિતની ચીજોની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસની તપાસમાં આ ગેંગ દ્વારા પોલીસને ચકમો આપવા માટે ત્રણ-ચાર મહિને કોલ સેન્ટરની જગ્યા બદલી નાંખવામાં આવતી હતી.જેથી કેટલીવાર જગ્યા બદલી છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત દિલ્હીમાં રહેતા મૂળ  બિહારના માસ્ટર માઇન્ડ અંકિત બંસલે ગાઝિયાબાદના અવનિશ ટોની એકાઉન્ટ હેન્ડલ કરતો હોવાની કબૂલાત કરી છે.જ્યારે ડિપ્લોમા એન્જિનિયર અવનિશ ટોનીએ અંકિત   પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાની અને તે પોતે જ એકાઉન્ટ મેનેજ કરતો હોવાની વાત કરી હતી.

દિલ્હીનો અંકિત બંસલ છત્તીસગઢના રૃ.૨૦ લાખની ઠગાઇના કેસમાં વોન્ટેડ 

વડોદરા પોલીસના હાથે પકડાયેલી ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગનો માસ્ટર માઇન્ડ અંકિત બંસલ લાંબા સમયથી ઠગાઇનું કામ કરતો હોવાનું મનાઇ રહ્યું છે.

પોલીસે દિલ્હીના કોલ સેન્ટરમાંથી પકડેલી ટોળકીના પાંચ સાગરીતો પૈકી બેન્ક એકાઉન્ટની સવલત કરી આપવાની ભૂમિકા ભજવનાર દિલ્હીના મો.શાહબાજ મો.ઇશા આલમ અગાઉ છત્તીસગઢના એક  ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો ખૂલી હતી.

વિલાસપુર ખાતે થયેલી રૃ.૨૦ લાખની ઓનલાઇન ઠગાઇના કેસમાં મો.શાહબાજની સાથે દિલ્હીની ગેંગનો માસ્ટર માઇન્ડ અંકિત  બંસલ પણ સામેલ હોવાની વિગતો ખૂલી છે.જેથી વડોદરા સાયબર સેલે છત્તીસગઢ પોલીસને જાણ કરી છે.


Google NewsGoogle News