ઉઘરાણી કરનાર યુવકને મરીજા તેમ કહી અપમાનિત કરતાં આપઘાત કર્યો,શબ્બીરઅલી અને તેના બે પુત્ર સામે ગુનો
બે મહિના પછી લગ્ન હોવાથી યુવક પોતાના રૃપિયા પરત માંગી રહ્યો હતો
વડોદરાઃ બે મહિના પછી લગ્ન હોવાથી ઉઘરાણીની રકમ નહિં આપનાર પિતા અને બે પુત્રના અપમાનજનક વર્તાવને કારણે કોર્ટ ની બહાર ઝેરી દવા પી લેનાર યુવકનું મોત થતાં પોલીસે યુવકને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા બદલ શબ્બીરઅલી અને તેના બે પુત્ર સામે ગુનો નોંધ્યો છે.
વડોદરા તાલુકાના સમીયાલા ગામે બસસ્ટેન્ડ વાળા ફળિયામાં રહેતા અને રિક્ષા ચલાવતા લિયાકતઅલી સૈયદે પોલીસને કહ્યું છે કે,મારા પુત્ર સેફહુસેન ઉર્ફે સેફુએ અમારા નજીક રહેતા શબ્બીરઅલી તેમજ તેના બે પુત્ર નવાઝ અને સહીદ સાથે રૃપિયાની ઉઘરાણીના મુદ્દે વાતચીત ચાલતી હતી.
સેફુએ આગામી બે મહિના પછી તેના લગ્ન હોવાથી શબ્બીરઅલી પાસે ગીરો કરારના આપેલા રૃ.૧૫.૩૦ લાખની ઉઘરાણી કરી હતી.જેથી ગઇ તા.૧૫મી ફેબુ્રઆરીએ શબ્બીર અને તેના બે પુત્રએ સેફુને ચેક બાઉન્સના કેસમાં સમાધાન માટે કોર્ટમાં બોલાવ્યો હતો.
પિતાએ પોલીસને કહ્યું છે કે,આ વખતે શબ્બીર અને તેના બે પુત્રોએ બોલાચાલી કરી રૃપિયા નહિં મળે,થાય તે કરી લેજે..અમે કોર્ટ કચેરી કે કેસથી ડરતા નથી,તારે મરવું હોય તો મરીજા..તેમ કહેતાં સેફુને લાગી આવ્યું હતું અને તેણે કોર્ટની બહાર પાર્લર સામે ઝેરી દવા પી લીધી હતી.ત્યારબાદ શબ્બીર અને તેના બે પુત્ર સેફુને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાંથી ગોત્રી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
સારવાર વખતે મારો ભાણીયો મોહસીન હાજર હતો અને તે દોડાદોડી કરતો હતો.આ વખતે પણ શબ્બીર અને તેના પુત્રએ તેના પર સમાાધાન કરવા માટે દબાણ કર્યું હતું.ત્યાર બાદ તેઓ ફરાર થઇ ગયા હતા.સારવાર દરમિયાન સેફુ નું તા.૧૬મીએ મોત થયું હતું.જેથી અકોટા પોલીસે શબ્બીરઅલી,તેના પુત્ર નવાઝ અને સહીદ સામે ગુનો નોંધ્યો છે.