કમળા જીઆઇડીસીમાં દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
કમળા જીઆઇડીસીમાં દબાણકર્તાઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો 1 - image


6 ઇસમો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

દબાણો દુર કર્યા બાદ પણ ફરીથી દબાણો ખડકી દીધા, તંત્રએ લાલ આંખ કરી

નડિયાદ: નડિયાદ કમળા જીઆઇડીસીમાં સરકારી જમીન પર છ ઇસમોએ ગેરકાયદેસર ઝૂંપડા બાંધી જમીન પચાવી પાડી હતી. આ મામલે કલેકટરના હુકમ આધારે જીઆઇડીસીનાં નાયબ કાર્યપાલક ઈજનેર, વિદ્યાનગર એ જમીન પચાવી પાડનાર છ ઇસમો સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદમાં કમળા જીઆઇડીસી સ્થાપવા માટે જમીન સંપાદન ધારા હેઠળ તા.૨૦/૯/૧૯૮૬ ના રોજ ૧૯-૨૨-૨૦ હેક્ટર જમીન માટે એવોર્ડ જાહેર કરી તા.૨૯/૧/૮૮ ના રોજ સર્કલ ઇન્સ્પેક્ટર, ઓએસડી જમીન સંપાદન અમદાવાદ તરફથી નિગમને જમીન સોંપવામાં આવી હતી. આ જમીનમાં ચાર દેશી નળિયાવાળા મકાનો હતા. જેના વળતર પેટે રૂ.૮,૬૦૮.૬૫ ના એવોર્ડમાં ચુકવણી કરવામાં આવી હતી. 

જીઆઇડીસી જમીનમાં મૂળ ખેડૂત ખાતેદારોના વારસદારોએ દબાણ કર્યું હોય નિગમ દ્વારા અશોક મોતીભાઈ તળપદા, બંસી કેશવભાઈ તળપદા, દિવાન કેશવ તળપદા, કિરીટ છગનભાઈ તળપદા, સંજય બીપીનભાઈ તળપદા તથા વિજય ગોવિંદભાઈ તળપદા (તમામ રહે. કમળા જીઆઇડીસી) ને દબાણ દૂર કરવા અવારનવાર નોટિસ આપવા છતાં દબાણો દૂર કર્યા ન હતા. જેથી નિગમ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરાયા હતા. 

આમ છતાં આ લોકોએ ફરીથી ઝુંપડા બાંધી દબાણ કર્યું હતું. આ દબાણ દૂર કરવા જણાવતા તેઓ દ્વારા સંપાદિત થયેલ જમીનના વળતરની માંગણી કરવામાં આવી હતી. જે વળતર ઓ.એસ.ડી. મામલતદાર નડિયાદ ખાતે તા.૧૭/૮/૧૯૮૯ ના રોજ રેવન્યુ ડિપોઝિટ પેટે જમા કરાવેલ છે. આમ છતાં છ ઈસમો દ્વારા કમળા જીઆઇડીસીની સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે ઝુંપડા બાંધી માલસામાન સાથે રહી દબાણ કર્યું હોય નાયબ કાર્યપાલક ઇજનેર, જીઆઇડીસી દ્વારા કલેક્ટર ખેડા, નડિયાદ કચેરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઇ કલેકટર દ્વારા દબાણ કરનાર છ ઈસમો સામે લેન્ડ ગ્રેબિગ હેઠળ ગુનો નોંધવા હુકમ થતા શીતલબેન રાકેશકુમાર ચૌહાણ, નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, વિદ્યાનગરએ નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અશોકભાઈ મોતીભાઈ તળપદા, બંસીભાઈ કેશુભાઈ તળપદા, દિવાન કેશવ તળપદા, કિરીટ છગનભાઈ તળપદા, સંજય બીપીનભાઈ તળપદા તેમજ વિજય ગોવિંદભાઈ તળપદા સામે લેન્ડ ગ્રેબિગ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News