Get The App

બોરસદમાંથી મળેલા ઈવીએમ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
બોરસદમાંથી મળેલા ઈવીએમ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image


બોરસદ મામલતદારની ફરિયાદના આધારે

જુની કસ્બા તલાટીની ઓફિસમાંથી ઈવીએમ ચોરી થયા હોવાનું ખૂલ્યું

આણંદ: બોરસદ ખાતેથી કચરાના ઢગલામાંથી ઈવીએમના બે યુનિટ મળી આવવાની ઘટનામાં આખરે બોરસદ શહેર પોલીસે અજાણ્યા શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમીયાદ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીના કામે વોર્ડ નં.૯માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા બે ઈવીએમ યુનિટ બોરસદ સબજેલ નજીક આવેલી જુની કસ્બા તલાટીની ઓફિસ ખાતેથી ચોરી થયા હોવાનું ખુલ્યું હતું. 

બોરસદના પ્રાંત અધિકારીએ જિલ્લા કલેક્ટરને ચૂંટણી વખતે ફરજ  પરના અધિકારી અને કર્મચારીની વિગતો સાથે અહેવાલ મોકલી આપ્યો હતો. જેના આધારે જિલ્લા કલેક્ટરે તત્કાલિન અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પાંચને કારણદર્શક નોટિસ આપી હતી અને ગાંધીનગર સ્થિત ઉચ્ચ કચેરીએ રીપોર્ટ કર્યો હતો. 

આ ઘટના અંગે આણંદ એસઓજી સહિતની પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. સૌપ્રથમ બોરસદ શહેર પોલીસ મથકે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  દરમિયાન બુધવારે રાત્રે બોરસદ શહેર પોલીસે બોરસદના શીરસ્તેદાર અને મામલતદાર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા રઘુવીરસિંહ સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News