અલકાપુરીમાં ટ્રુ ફ્લુઅન્સ કોચિંગ ક્લાસના સંચાલક દંપતીએ વિદેશ મોકલવાના નામે 22 લાખ પડાવ્યા
વડોદરાઃ અલકાપુરીમાં કોચિંગ ક્લાસ ધરાવતા દંપતી દ્વારા વિદેશ મોકલવાના નામે બે યુવક સાથે રૃ.૨૨.૮૧ લાખની છેતરપિંડી થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
જંબુસરના દાભા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા ભૂપેન્દ્ર મકવાણાએ પોલીસને કહ્યું છે કે,મારી સાથે નોકરી કરતી માનસી મારફતે તેના પાડોશી રિતેશભાઇનો પરિચય થયો હતો.મારે યુકે જવું હોવાથી અલકાપુરીમાં ટ્રુ ફ્લુઅન્સ કોચિંગ ક્લાસ ધરાવતા તેજશ્રી પ્રશાંત ધોરા અને પ્રશાંત ધોરા(બંને રહે.સફર આઇકોલ,સૂર્યદર્શન ટાઉનશિપ,માંજલપુર)ની ઓક્ટોબર-૨૦૨૩માં મુલાકાત કરી હતી.
ઓફિસ સંચાલકોએ અમને યુકેમાં પાંચ વર્ષના ઓપન વિઝા અપાવવાનું કહી ડોક્યુમેન્ટ માંગ્યા હતા અને વ્યક્તિ દીઠ રૃ.૧૫ લાખ નક્કી કર્યા હતા.પરંતુ બે વ્યક્તિ હોય તો કમિશન સાથે કુલ રૃ.૨૨ લાખ નક્કી કરવામાં આવ્યા હતા.
ભૂપેન્દ્રએ કહ્યું છે કે,મેં રૃ.૧૭લાખ ચૂકવ્યા હતા.જ્યારે,હિતેષ જાદવે રૃ.૫.૮૧ લાખ ચૂકવ્યા હતા.દંપતી દ્વારા વિઝા બાબતે વારંવાર વાયદા કરવામાં આવતા હતા અને ગમે ત્યારે મેડિકલ માટે બોલાવીશ તેમ કહી આશ્વાસન આપતા હતા.પરંતુ વિઝા નહિં મળતાં અમે રૃપિયા પરત માંગ્યા હતા.જેથી તેમણે આપેલા ચેક પરત ફર્યા હતા.અમને શંકા જતાં ઓફિસે તપાસ કરી તો તાળાં મારેલા હતા.સયાજીગંજ પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે.