રસ્તા વચ્ચે બાળક આવી જતા બ્રેક મારતા બાઇક પરથી દંપતી ફંગોળાયું : પત્નીનું મોત
હાઇવે પર ધનિયાવી ચોકડી પાસે ટ્રકે બાઇક સવારને ટક્કર મારતા મોત
વડોદરા,રસ્તા વચ્ચે આવી ગયેલા બાળકને બચાવવા જતા ઇ - બાઇકને બ્રેક મારતા વૃદ્ધ દંપતી રોડ પર પટકાયા હતા. દંપતી પૈકી પત્નીનું મોત થયું હતું.
મકરપુરા ગામ માળી મહોલ્લામાં રહેતો ૨૫ વર્ષનો કિશન જીણાભાઇ માળી તેના પિતા સાથે ગઇકાલે સવારે ખેતરમાં ગયો હતો. થોડી વાર પછી કિશન એકલો ઘરે જવા માટે બાઇક લઇને નીકળ્યો હતો. સવારે દશ વાગ્યે તે હાઇવે પર ધનિયાવી ચોકડી પાસેથી રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન તરસાલી તરફથી જાંબુવા તરફ જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા કિશનને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તે ઉપરાંત બંને હાથ અને પગ પર પણ ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કિશનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કિશનનના પિતાની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં છાણી રોડ મારૃતિ ડૂપ્લેક્સમાં રહેતા ચંદ્રકાંત રમણલાલ દાંડીવાલા નિવૃત્ત જીવન ગુજારે છે. ગઇકાલે તેઓ ઇ - બાઇક લઇને પત્ની નિર્મલાબેન ( ઉ.વ.૭૫) સાથે માંડવી મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. પોણા અગિયાર વાગ્યે તેઓ નરહરિ સર્કલથી કલ્યાણ નગર રોડ થઇ જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે એક છોકરો આવી જતા તેને બચાવવા માટે ચંદ્રકાંતભાઇએ બ્રેક મારતા દંપતી રોડ પર પટકાયા હતા. તેમના પત્નીને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.