યાકુતપુરામાં બર્થડેની ઉજવણી દરમિયાન થયેલી મારામારીમાં વળતી ફરિયાદ
પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં હુમલો કર્યો હતો : આઠ આરોપીઓ સામે ગુનો દાખલ
વડોદરા,યાકુતપુરા કાનુંગાના ખાંચામાં બર્થડેની ઉજવણી દરમિયાન થયેલી તકરારમાં સામા પક્ષે વળતી ફરિયાદ સિટિ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સિટિ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યાકુતપુરા કાનુંગાના ખાંચામાં સૈયદ મંઝીલમાં રહેતા નાજીમાબાનુ માસુમઅલી સૈયદે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિને આર્થરાઇટિસની બીમારી હોઇ તેઓ ઘરે જ છે. મારો દીકરો અસફાક અક્ષર ચોક પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલમાં નોકરી કરે છે. અમારા પતિના મોટા ભાઇ અને ભાભીનું અવસાન થયું છે. તેમનો મોટો દીકરો જાઇદઅલી સૈયદ પ્રતાપ નગર ખાતે સ્પંદન હોસ્પિટલમાં નોકરી કરે છે. અમારા પાડોશમાં રહેતા ઇકબાલઅલી મકરાણી સાથે અમારે પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો. ઇકબાલઅલીના પૌત્રનો જન્મ દિવસ હોઇ તેમના ઘરે આવતા મહેમાનો અમારા ઘર આગળ વાહનો પાર્ક કરતા હતા. જે અંગે તેઓને કહેવા જતા તેઓએ અમારી સાથે ઝઘડો કર્યો હતો. મારા દિયર તેઓને સમજાવવા જતા તેઓએ ઝઘડો કર્યો હતો.ઇકબાલભાઇનો નાનો દીકરો નુફેલ કાતર લઇને દોડી આવ્યો હતો. તેણે મારા દિયેરને નાક પર ઇજા પહોંચાડી હતી. તેમના ઘરે આવેલા મહેમાનોએ પણ હુમલો કર્યો હતો. સિટિ પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.