વડોદરામાં સેન્ટ્રલ જેલમાંથી ફર્લો રજા પર ગયેલો પાકા કામનો કેદી ફરાર
વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો પાકા કામનો કેદી જેલમાંથી 14 દિવલની ફર્લો રજા પર મુક્ત થયો હતો અને 11 ફેબ્રુઆરીના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ હાજર નહી થઇને બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી જેલરે કેદી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતો ગુલઝારસિંગ નેપાલસિંગ સીકલીગરને હત્યાના ગુનામાં વર્ષ 2019માં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી છેલ્લા ચાર વર્ષતી વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. દરમિયાન 15 ડિસેમ્બર 2023ના રોજ 14 દિવસની ફર્લો રજા મંજૂર થતા તેને ગત 27 જાન્યુઆરીના રોજ તેને ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો અને 11 ફેબ્રુઆરીના રોજ પુન: જેલમાં હાજર થવાનું હતું પરંતુ કેદી હાજર થવાના બદલે બારોબાર ફરાર થઇ ગયો હતો. જેથી સેન્ટ્રલ જેલના જેલર એસ એચ વસાવો બાપોદ પોલીસ સ્ટેશનમાં કેદી સામે ફરિયાદ નોંધાવી છે.