રાસાયણિક ખાતરને લગતી ફરિયાદ માટે કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો
તા.૩૦ ડિસે. સુધી કંટ્રોલરૃમ ચાલુ રહેશે : રવી પાકો માટે હાલ ખેડૂતોને ખાતરની અછત વર્તાય છે
વડોદરા,રવી પાક માટે રાસાયણિક ખાતરની ડિમાન્ડ વધી છે ત્યારે રાસાયણિક ખાતર અંગે કોઇ ફરિયાદ હોય તો તેના નિરાકરણ માટે વડોદરા વિભાગની કચેરીએ તા.૩૦ ડિસે. સુધી કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે.
વડોદરા,છોટાઉદેપુર, ભરૃચ, નર્મદા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગત ચોમાસામાં સારો વરસાદ થવાથી રવી પાકોનું વાવેતર વધવાને કારણે રાસાયણિક ખાતરોની માંગ વધી છે.
આ સંજોગોમાં ખાતર ન મળવા તેમજ ખાતર મેળવવા સંબંધી કોઇ ફરિયાદ હોય તો તેના નિરાકરણ માટે વડોદરા વિભાગની કચેરીએ તા.૩૦ ડિસે. સુધી સવારે ૮ થી કલાકથી રાત્રે ૮ સુધી કંટ્રોલરૃમ શરૃ કરવામાં આવ્યો છે. કંટ્રોલરૃમનો મોબાઇલ નંબર- 9408153860 છે. રાસાયણિક ખાતર ન મળે અથવા તો ખાતર સબંધિત કોઇ પ્રશ્ન હોય તો આ ફોન નંબર પર ફરિયાદ કરવા વડોદરા વિભાગના સંયુક્ત ખેતી નિયામક(વિ)એ જણાવ્યું છે.
વડોદરામાં ચોમાસા દરમિયાન આઠમાંથી ૭ તાલુકામાં પૂર અને સતત વરસાદથી ખેતીને નુકસાન થયું હતું, હવે રવી પાક લેવા માગતા ખેડૂતોને ડીએપી ખાતરની અછત વર્તાઇ રહી છે. ખેડૂતોની ફરિયાદ છે કે દોઢ-બે મહિનાથી આ ખાતર મળતું નથી અને ખાતર ડેપો પરથી ધક્કા ખવડાવવામાં આવે છે. ડીએપી ખાતરને લીધે રવી પાક પર જોખમ તોળાઇ રહ્યું છે. ભૂતકાળમાં યુરિયાની અછત વખતે પણ તકલીફ ઊભી થઇ હતી. રવી પાક માટે ડીએપી ખાતર વધુ ઉપયોગી બને છે, અને માંગ મુજબ પૂરતો જથ્થો ફાળવવા સરકારમાં રજૂઆત કરાઇ છે.