વરસાડા-ડભોઇ રોડ પર મુંગા પશુઓ ભરેલું કન્ટેનર ઝડપાયા બાદ પોલીસે છોડી દીધું
કાળા રંગની નંબર વગરની સ્કોર્પિયોમાં આવેલા શખ્સની દાદાગીરી ઃ પોલીસે કાર્યવાહી ના કરી હોવાના આક્ષેપ
વડોદરા, તા.17 વડોદરા તાલુકાના વરસાડા-ડભોઇ રોડ પર જીવદયા કાર્યકરોએ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓ ભરેલ કન્ટેનર ઝડપી પાડયા બાદ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસે સ્થળ પર આવીને કન્ટેનરને રવાના કરી દેતા વિવાદ સર્જાયો છે.
આ અંગેની વિગત એવી છે કે વરસાડા-ડભોઇ કેનાલ પાસે વડોદરા તાલુકાના જીવદયા કાર્યકરોએ માહિતીના આધારે ૩૫થી ૪૦ જેટલા મુંગા પશુઓ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. જેથી જિલ્લા પોલીસની એક પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઇ હતી. આ ઘટના અંગે જીવદયા કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે કન્ટેનર રોક્યા બાદ તેની સાથે એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી હતી જેમાં બેસેલા માણસોએ અમને ધમકીઓ આપી હતી.
પીસીઆર વાન આવ્યા બાદ સ્કોર્પિયોમાં બેસેલ એક શખ્સે પીસીઆર વાનમાં બેસેલા માણસો સાથે વાત કર્યા બાદ મુંગા પશુઓ ભરેલા કન્ટેનરને રવાના કરી દીધું હતું જ્યારે અમે પશુઓની હેરાફેરી અંગેના પુરાવા માંગતા તે બતાવવાની જગ્યાએ ધમકીઓ આપી હતી. બીજુ બાજુ પીસીઆર વાનના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવાના બદલે અમને એમ કહેવામાં આવ્યું કે આવી રીતે કોઇ ગાડી રોકી શકાય નહીં.
મુંગા પશુઓને કતલખાને જ લઇ જવાતા હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવાના બદલે ગાડીને રવાના કરી દેવામાં આવતા આખરે સમગ્ર મામલો વરણામા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.