બેનર ફાડી નાખવા બાબતે બે પક્ષો વચ્ચે તકરારમાં સામસામે ફરિયાદ નોંધાઈ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
બેનર ફાડી નાખવા બાબતે બે પક્ષો વચ્ચે તકરારમાં સામસામે ફરિયાદ નોંધાઈ 1 - image


આણંદ પાસેના સામરખા તાબે ભાટીયાપુરામાં 

સરકારની વિવિધ સહાયની યોજનાના લાભ માટેનું કાગળનું બેનર ફાડી નાંખતા મામલો બિચક્યો

આણંદ: આણંદ પાસેના સામરખા તાબે ભાટીયાપુરામાં ગતરોજ સાંજના સુમારે બેનર ફાડી નાખવા બાબતે બે પક્ષો વચ્ચે થયેલ તકરારમાં આણંદ ગ્રામ્ય પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સામરખા તાબેના વાઘપુરા ખાતે રહેતા અને સામરખાના સરપંચ ભાવિનભાઈ બળવંતસિંહ સોઢા પરમાર સામરખા તાબે ભાટીયાપુરામાં બ્લોક તેમજ પાઈપલાઈનનું કામકાજ ચાલતુ હોય ગતરોજ સાંજના સુમારે જોવા માટે ગયા હતા. દરમ્યાન સરકારની વિવિધ સહાયની યોજનાના લાભ માટેનું કાગળનું બેનર દિનેશભાઈ ઉર્ફે ટીનાભાઈ અમરસિંહ પરમારે ફાડી નાખ્યું હોવાની જાણ ભાવિનભાઈ સોઢા પરમારને થતાં દિનેશભાઈ ઉર્ફે ટીના પરમારને બોલાવી ઠપકો આપ્યો હતો. જેથી દિનેશ પરમારે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી બિભત્સ અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ સમયે તેઓનું ઉપરાણું લઈ હિરેનભાઈ ઉફે ગુડ્ડુ દિનેશભાઈ પરમાર, સ્નેહલ બાબુભાઈ પરમાર અને દિપક બાબુભાઈ પરમાર આવી પહોંચ્યા હતા અને સરપંચને પકડી લીધા બાદ દિનેશભાઈ પરમારે પોતાની પાસેના લાકડાના ડંડા વડે માર મારતા ઈજાઓ પહોંચી હતી. જો કે બુમાબુમ થતા આસપાસના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સરપંચને વધુ મારમાંથી છોડાવ્યા હતા. બાદમાં આ ચારેય શખ્શો સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે ભાવિનભાઈ સોઢા પરમારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સામાપક્ષે કાંતાબેન દિનેશભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાવિનકુમાર બળવંતસિંહ સોઢા પરમાર તથા અન્ય ત્રણ શખ્શોએ ભેગા મળી ગતરોજ ભાટીયાપુરા સીમમાં દિનેશભાઈ પરમારનું ટુવ્હીલર રોકી તેઓને નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News