સર્જિકલ સાધનો બનાવતી કેરાલાની કંપનીએ ડીલરશિપના નામે ૧૩ લાખ પડાવ્યા
વડોદરાઃ સર્જિકલ સાધનો બનાવતી કેરાલાની કંપનીની ડીલરશિપના લેવા માટે ડિપોઝિટ ભરનાર વડોદરાના એન્જિનિયર સાથે રૃ.૧૩ લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં અંબિકાનગર વિભાગ-૧માં રહેતા મૂળ કર્ણાટકના રુદ્રેશ હન્ચિનામની એ પોલીસને કહ્યું છે કે,હું ગાંધીનગરની કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું અને વર્ષ-૨૦૨૧માં મુંબઇના ગેસ્ટહાઉસમાં રહેતો હતો ત્યારે નજીકમાં રોકાયેલા જીપ્સન રાજ (મલ્લિકા,પ્થનમથિટ્ટા,કેરાલા) સાથે રોજ જમતા હોવાથી પરિચય થયો હતો.
જીપ્સન રાજે કહ્યું હતું કે,તે અને તેનો ભાગીદાર જર્લિન કડુ અવંકલ જ્યોર્જ ભેગા મળીને ઠેક્કાતિલ ઇન્ટરનેશનલ હેલ્થ કેર ના નામે સર્જિકલ સાધનોનું ઉત્પાદન કરે છે.અમારે ગુજરાતમાં પણ ધંધો વિકસાવવો છે અને તે માટે ડીલરની જરૃર છે.જેથી મેં તૈયારી દર્શાવી હતી.
બંને ભાગીદારોના કહેવા મુજબ મેં નિઝામપુરાના દેવદીપ કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી હતી.કંપનીએ મારી પાસે એડવાન્સ નાણાં માંગતા ટુકડેટુકડે કુલ રૃ.૧૩લાખ ચૂકવ્યા હતા.પરંતુ મને હજી સુધી ડીરલશિપ આપી નથી કે રૃપિયા પણ પરત કર્યા નથી. ફતેગંજ પોલીસે આ અંગે બંને ભાગીદારો સામે ગુનો નોંધ્યો છે.