મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીના માલિકે પાળેલા કૂતરાએ હુમલો કરી ગરદન પકડી લેતા સફાઇ કામદાર બેભાન
કંપની માલિકે સારવારનો ખર્ચ તો ઠીક ઇજાગ્રસ્તની ખબર અંતર પણ ના પૂછી
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં કામ કરતા સફાઇ કામદારને માલિકે પાળેલા કૂતરાએ હુમલો કરી બોચીના ભાગેથી પકડી લેતા સફાઇ કામદાર બેભાન થઇ ગયા હતા. સારવારનો ખર્ચ તો ઠીક પણ ઇજાગ્રસ્તની ખબર પણ માલિકે પૂછી નહતી.
માણેજા શીવા નગરમાં રહેતા સફાઇ કામદાર કાલીદાસ હિરાભાઇ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૨ થી હું મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી કંપનીમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હતો. આ કંપનીના માલિક જતીનભાઇ ટાડકર છે. તેઓએ કંપનીમાં એક જર્મન શેફર્ડ કૂતરો પાળેલો છે. તે કૂતરાને રહેવા માટે એક કેબિન પણ બનાવ્યું છે. તેમાં તેને પૂરી રાખવામાં આવે છે. ગત તા. ૨૩ મી ડિસેમ્બરે સવારે હું કંપનીમાં નોકરી પર ગયો હતો.સાડા નવ વાગ્યે કંપનીના સુપરવાઇઝર યુવરાજસિંહએ મને કહ્યું કે, કૂતરાના કેબિનમાં પોતુ મારી દો. તેમાંથી બહુ ગંધ આવે છે. હું પોતુ લેવા ગયો ત્યારે કેબિનની જાળીની સ્ટોપર ખુલ્લી રહી જતા અચાનક કૂતરૃં બહાર દોડી આવ્યું હતું. હું કંપનીના ગેટ પાસે ઉભો હતો ત્યાં આવીને તેણે મારા પર હુમલો કરી બોચી તેમજ આખા શરીરે બચકા ભરતા હું બેભાન થઇ ગયો હતો. કંપનીના સુપરવાઇઝર મને રિક્ષામાં નાંખી સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં મારી સારવાર કરાવી મને પરત ઘરે મૂકી ગયા હતા.કંપની માલિકે મારી કોઇ ખબર અંતર પૂછી નહતી કે, સારવારના ખર્ચના કોઇ રૃપિયા આપ્યા નહતા. સફાઇ કામદારની ફરિયાદના આધારે પોલીસે કંપની માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.