રાયપુર પાસે મેડિકલ વેસ્ટ ભરેલો ટેમ્પો પલટી જતા ક્લીનરનું મોત
ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર
દહેગામમાંથી મેડિકલ વેસ્ટ ભરીને બાવળા ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતી જતી અકસ્માતની
ઘટના વચ્ચે દહેગામ નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં ટેમ્પોના ક્લીનરનું મોત થયું
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઇસનપુર ખાતે
રહેતા અને ઇવેસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ પટેલે ફરિયાદ
નોંધાવી હતી કે, તેમની આ
કંપનીમાં ૨૦ જેટલા વાહન છે અને ગઈકાલે તેમનો ટેમ્પો દહેગામ ખાતે અલગ અલગ
દવાખાનાઓમાંથી મેડિકલ વેસ્ટ ભરવા માટે ગયો હતો. જેમાં વાસણા ખાતે રહેતા ડ્રાઇવર
સુનિલભાઈ કુરતે અને ક્લીનર નરેશભાઈ મણીલાલ પરમાર સવાર હતા. દહેગામમાંથી મેડિકલ
વેસ્ટ ભરીને તેઓ બાવળા કંપની ખાતે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દહેગામ નરોડા
હાઇવે ઉપર રાયપુર પાસે ટેમ્પો ચાલક સુનિલભાઈએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી
ગયો હતો અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં નરેશભાઈને માથામાં ઇજાઓ થતા
તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી
આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ ડ્રાઇવરને સારવાર માટે ખસેડવામાં આવ્યા
હતા. હાલ ડભોડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.