ઇજા થયા પછી ધનુરની વેકિસન નહીં લેનાર બાળકનો જીવ જોખમમાં મૂકાયો
મધ્યપ્રદેશના ૧૦ વર્ષના બાળકની સયાજી હોસ્પિટલમાં ૭૨ દિવસ સારવાર ચાલી : ૬૦ દિવસ આઇ.સી.યુ.માં રહ્યો
વડોદરા,સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં ૧૦ વર્ષનો બાળક ધનુરની સારવાર માટે ત્રણ મહિના પહેલા દાખલ થયો હતો. બાળકને એક મહિનાથી વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. સતત ત્રણ મહિનાની સારવાર પછી બાળક સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથીરજા આપવામાં આવી હતી.
મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતા ૧૦ વર્ષના બાળકને થોડા સમય પહેલા પગમાં ઇજા થઇ હતી. તે સમયે પરિવાર દ્વારા ધનુરની રસી મૂકાવવામાં આવી નહતી. તેના કારણે બાળક ધનુરની ઝપટમાં આવી ગયું હતું. ધનુરની અસર શરૃ થતા સૌ પ્રથમ બાળકનું જડબું લોક થઇ ગયું હતું. મોંઢું ખૂલતું નહતું. ત્યારબાદ ખેંચમાં આવતા ઝાટકા શરૃ થયા હતા. બાળકની તબિયત બગડતા સૌ પ્રથમ તેને અલીરાજપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી બાળકને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના હેડ ડો. ઓમપ્રકાશ તથા અન્ય ડોક્ટર પરેશ ઠક્કર તથા તેમની ટીમ દ્વારા બાળકની સારવાર શરૃ કરવામાં આવી હતી. બાળકને ૬૦ દિવસ સુધી આઇ.સી.યુ.માં રાખવામાં આવ્યું હતું. ૭૨ દિવસની લાંબી સારવાર પછી ડોક્ટર્સની ટીમને બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઇ ઇજા થાય ત્યારે વેકિસન લેવાની આળસ આ ગંભીર અને જીવલેણ બીમારીને નોતરે છે. નાનપણમાં વેકિસન લીધી હોય તો પણ જ્યારે કોઇ ઇજા થાય ત્યારે આ વેકિસન લેવી જરૃરી છે. નહીંતર ધનુરની બીમારી દર્દીને મોતના મુખમાં ખેંચી જાય છે.