વિદેશ મોકલવાના નામે અનેક લોકો સાથે ઠગાઇ કરનાર ઇમિગ્રેશન કન્સલટન્ટ સુરતથી કારમાં પકડાયો
વડોદરાઃ વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર વાસણા રોડ વિસ્તારના ઇમિગ્રેશન કન્સલટન્ટને ક્રાઇમ બ્રાન્ચ લેડી પીઆઇની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડયો છે.
પ્રતાપનગરરોડ પર કૈલાસ ભવનમાં રહેતા ગૌરવ પંચાલે જૂન-૨૦૨૨માં વિદેશમાં વર્ક પરમિટની જાહેરાત જોઇને વાસણારોડના ક્લાસિક કોમ્પ્લેક્સ ખાતે ક્રિપા ઓવરસીઝ નામની ઓફિસ ચલાવતા ભાવેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.પોલેન્ડ મોકલવાના નામે ભાવેશે તેની પાસે રૃ.૨.૫૦ લાખ માંગ્યા હતા.જે પૈકી યુવકે રૃ.૧ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ ભાવેશે તેને વારંવાર વાયદા કર્યા હતા અને રૃપિયા માંગતા ભવિષ્ય બગાડવાની ધમકી આપતાં યુવકે ફરિયાદ કરી હતી.
પોલીસની તપાસ દરમિયાન ભાવેશ ચૌહાણે તાંદલજાના વકાર પટેલ પાસે પણ રૃ.૧ લાખ અને ડભોઇરોડ વિસ્તારરના નિખિલ રાજપુત પાસે રૃ.૧.૨૫ લાખ તેમજ બીજા પણ ૧૫ જેટલા લોકો પાસેથી કુલ રૃ.૬ લાખ ઉપરાંતની રકમ પડાવી હોવાની વિગતો ખૂલી હતી.જેથી આ ગુનાની તપાસ જે પી રોડ પોલીસ પાસેથી પરત લઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવર અને ટીમે ભાવેશ પર વોચ રાખતાં તે સુરતના રાંદેર વિસ્તારમાં હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસે સુરતમાં વોચ રાખી તેને સ્કોડા કારમાં જતી વખતે ઝડપી પાડયો હતો.વિવિધ શહેરોમાં ઓફિસ ધરાવતો ભાવેશ અરવિંદ ભાઇ ચૌહાણ(વ્રજ રેસિડેન્સી,ગોત્રી- સમતા રોડ,વડોદરા મૂળ રહે.રાંદેર,સુરત) અગાઉ વડોદરા,ભરૃચ,ગોધરા અને દાહોદ ખાતે પાંચ ગુનામાં પકડાયો હતો.જ્યારે, વડોદરા અને અમદાવાદના બીજા છ ગુનામાં હજી વોન્ટેડ છે.