તોરણીની શાળાની માસૂમ વિદ્યાર્થિનીના હત્યારા આચાર્ય સામે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી
૧૫૦ સાક્ષીઓના નિવેદન લીધા : હત્યા ઉપરાંત મૃત્યુદંડની જોગવાઇ અને પોકસોની કલમ ચાર્જશીટમાં ઉમેરી
લીમખેડા/દાહોદ,દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં માસૂમ ૬ વર્ષની વિદ્યાર્થિનીની હત્યા મામલે પોલીસે ૧૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસની તપાસ કામગીરીમાં ૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ અલગ અલગ રીતે જોડાઇ છે. આરોપી શાળાના આચાર્ય ગોવિંદ નટ સામે હત્યાના ગુનાની સાથે સાથે મૃત્યુદંડની જોગવાઇ સહિતની કલમો ચાર્જશીટમાં મૂકાઇ છે.
આ પ્રકરણમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉંડાણપુર્વક અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ચાર ડીવાયએસપી, ચાર પોલીસ ઇન્સ્પેકટરો અને બે પીએસઆઇ છે. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેટીગેશન ઓફિસર નરેન્દ્ર ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. ૧૨ દિવસની મર્યાદામાં ૧૭૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે. આ ચાર્જશીટમાં મુખ્યત્વે બે એનેલિસિસ અગત્યના છે. જેમાં એપિથેરિયલ ટેસ્ટ ગાંધીનગર લેબમાં કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ઊંડાણપૂર્વકનું એનેલિસિસ છે. ઉપરાંત જે ક્રાઇમ સીન છે, તેનું સાઇકોલોજીલ એનેલિસિસ કરવામાં આવ્યું છે. ડ્રોનથી આખા વિસ્તારની વિડીયોગ્રાફી, આરોપીની વિડીયોગ્રાફી, નિવેદનો વગેરે તમામ બાબતે સંકલિત કરી ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલતા ક્રાઇમ સીન સાઇલોજીલ રિપોર્ટ અને ક્રિમિનલ રિપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન ૧૫૦થી વધુ સાહેદો ચકાસવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશીયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અમીત નાયકની નિમણૂંક કરવામાં આવી છે. ડીજીટલ પૂરાવા, ડીએનએ ફોરેન્સીક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સીક કેમેસ્ટ્રી, ફોરેન્સિક ટેકસોલોજી ફોરેન્સિક વ્હીકલ અને ક્રાઇમ સીન સાઇકોલોજીકલ ફોરેન્સીક એનેલિસિસ, વોઇસ સ્પેકટોગ્રાફી તમામ બાબતોનો તપાસમાં સમાવેશ કરી ચાર્જશીટ મૂકાઇ છે. જેમાં હત્યાની કલમ ઉપરાંત મૃત્યુદંડની જોગવાઇની કલમ, પોક્સો એકટની કલમ સહિત ઉમેરાઇ છે.