Get The App

બુલેટ ટ્રેનના 8 કિ.મી.ના રૃટની ડિઝાઇનમાં પરિવર્તનથી 2 હજાર કરોડની બચત થઇ

જુની ડિઝાઇન બદલીને વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6ના બદલે પ્લેટફોર્મ નં.7 નજીક બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવાના આયોજનથી આર્થિક ફાયદો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
બુલેટ ટ્રેનના 8 કિ.મી.ના રૃટની ડિઝાઇનમાં  પરિવર્તનથી 2 હજાર કરોડની બચત થઇ 1 - image


વડોદરા : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લોકો હવે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. અગાઉ આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩માં પૂર્ણ થવાનો હતો પરંતુ હવે તેનો પ્રથમ ટ્રાયલ રન પણ વર્ષ ૨૦૨૬માં શક્ય બનશે. આ દરમિયાન વડોદરા શહેરમાંથી પસાર થતાં બુલેટ ટ્રેનના રૃટમાં પરિવર્તન કરીને રૃ.૨,૦૦૦ કરોડની બચત કરવામાં આવી હોવાની માહીતી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીએ આપી છે.

અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ ૨૦૧૭માં કરવામાં આવ્યો હતો તે સમયે બુલેટ ટ્રેનના ટ્રેક-રૃટ માટે પ્રારંભિક સર્વે કરાયો હતો. જેમાં વડોદરામાંથી પસાર થતાં ૮ કિ.મી.ના રૃટનો પણ સર્વે થયો હતો તે સર્વે પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૬ ઉપરથી  ટ્રેક-રૃટ પસાર થવાનો હતો. આ રૃટ પૂર્વથી પશ્ચિમ તરફ નવા યાર્ડને પાર કરીને પ્લેટફોર્મ નં.૬ સુધી પહોંચતો હતો અને આ દરમિયાન ૧૩ રેલવે લાઇન ઓળંગવાની હતી. તે પ્રકારે રૃટ ડિઝાઇન કરાયો હતો. ડિઝાઇન પ્રમાણે જરૃરી બ્રિજના સ્પાન્સની દરખાસ્ત હતી કે પશ્ચિમથી પૂર્વ તરફના રેલ્વે ટ્રેકને પાર કરવા માટે ૧૦૦ મીટર , ૨૨૦ મી, ૧૨૦ મી.  ઉપરાંત આ સાઇટ એરપોર્ટ ઓથોરિટીના રેડ ઝોનમાં એટલે કે એરક્રાફ્ટના ફ્લાઇટ રૃટ પર આવી રહી હતી એટલે તે માટે એર સ્પેસ ક્લિયરન્સની જરૃર હતી. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરામાં બુલેટ ટ્રેનના ટ્રેક-રૃટમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવાયો હતો.

બુલેટ ટ્રેનના 8 કિ.મી.ના રૃટની ડિઝાઇનમાં  પરિવર્તનથી 2 હજાર કરોડની બચત થઇ 2 - image

વડોદરા રેલવે સ્ટેશન સાથે વધુ સારી રીતે કનેક્ટ કરવા અને ૧૩ રેલવે લાઇન ઓળંગવા માટે જરૃરી લાંબા બ્રિજને ટાળવા માટે નવી ડિઝાઇન મુજબ બુલેટ ટ્રેનનું સ્ટેશન પ્લેટફોર્મ નં.૬ના બદલે પ્લેટફોર્મ નંબર ૭ બાજુ તૈયાર કરવાનું નક્કી થયું. આ ડિઝાઇનના કારણે વિશાળ ગર્ડરો તૈયાર કરવાના બદલે ૪૦ મીટર સ્પાનના ગડરોથી જ કામ થઇ શક્યુ ઉપરાંત પ્લેટફોર્મ નં.૬ ઉપર સ્ટેશન બનાવવાના નિર્ણયથી અસંખ્ય રહેણાક મકાનો અને કોમર્શિયલ બિલ્ડિંગો રસ્તા રેસામા આવતા હતા તેનું સંપાદન અને ડિમોલિશન સહિતની કામગીરી પણ કરવી ના પડી. આમ અમદાવાદ - મુંબઇ વચ્ચે કુલ ૫૦૮ કિ.મી.ના બુલેટ ટ્રેનના રૃટ ઉપર વડોદરા શહેરમાંથી પસાર થતાં ૮ કિ.મી.ના એલાઇમેન્ટમાં પરિવર્તન કરીને લગભગ રૃ.૨,૦૦૦ કરોડની બચત અમે કરી શક્યા. તેમ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું.

વડોદરા સ્થિત બુલેટ ટ્રેનના કાસ્ટિંગ યાર્ડે સંપૂર્ણ ભારતમાં જ બનેલી મશીનરી દ્વારા એક હજાર બોક્સ ગર્ડરનું નિર્માણ પૂર્ણ કર્યુ

ગુજરાતમાં વડોદરા અને વાપી ખાતે આવેલા બે કાસ્ટિંગ યાર્ડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટ (બુલેટ ટ્રેનનો ઊંચાઇ ઉપર ટ્રેક બનાવવા માટે તૈયાર કરાતુ પુલ જેવુ માળખું) માટે  બન્ને યાર્ડે એક-એક હજાર મળીને કુલ ૨,૦૦૦ ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સનું કાસ્ટિંગ પૂર્ણ કર્યું છે.

ગુજરાત અને દાદરા નગર હવેલીમાંથી પસાર થતા બુલેટ ટ્રેનના ૩૫૨ કિ.મી.વાયડક્ટ ટ્રેક પૈકી ૨૯૦ કિ.મી.ના વાયડક્ટનું નિર્માણ ફુલ સ્પાન લોંચિંગ દ્વારા કરવામાં આવશે અને બાકીના ટ્રેકમાં મોટાભાગે સેગમેન્ટલ લોંચિંગ થશે જેમાં ૧૭ સ્ટીલ બ્રિજ, ૮ સ્ટેશન, ૩૫૦ મીટર લાંબી ટનલ અને અન્ય સિવિલ નિર્માણનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયડક્ટ બાંધકામમાં વપરાતા ફુલ સ્પાન ગર્ડરની લંબાઈ ૪૦ મીટર છે અને તેનું વજન ૯૭૦  મેટ્રીક ટન છે. ૨૯૦ કિ.મી.ના વાયડક્ટ માટે કુલ ૭,૨૭૭ ફલ સ્પાન બોક્સ ગર્ડરની જરૃર છે જે પૈકી ૫,૧૬૯ તૈયાર થઇ ગયા છે અને તેમાંથી ૪,૬૫૬ ગર્ડર તો લાગી પણ ગયા છે.વડોદરા અને વાપીની કાસ્ટિંગ યાર્ડ્સ ફેક્ટરીમાં લાગેલી મશીનરી સંપૂર્ણ ભારતીય છે. જેમાં સ્ટ્રેડલ કેરિયર્સ, ફુલ સ્પાન લોન્ચિંગ ગેન્ટ્રી, ગર્ડર ટ્રાન્સપોર્ટર, બ્રિજ ગેન્ટ્રી અને ફુલ સ્પાન ગર્ડર કાસ્ટિંગ મોલ્ડ્સનો સમાવેશ થાય છે. હાલમાં, ગુજરાતમાં ૨૧૩ કિમી વાયડક્ટ પૂર્ણ થયું છે જેમાં સ્પાન બાય સ્પાન અને ફુલ સ્પાન ગર્ડર લોન્ચિંગ બંનેનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News