વડોદરામાં અછોડાતોડોએ અડધો કલાકમાં 3 અછોડા લૂંટ્યા,એક જ પધ્ધતિએ લૂંટ
વડોદરાઃ કારેલીબાગ અને આજવારોડ વિસ્તારમાં આજે અછોડાતોડોએ માત્ર અડધો કલાકના ગાળામાં જ ત્રણ મહિલાના અછોડાની લૂંટ ચલાવતાં પોલીસની ટીમો સીસીટીવી ફૂટેજ મેળવવા કામે લાગી છે.
શહેરમાં છાશવારે ત્રાટકતા અછોડાતોડો પોલીસને ચકમો આપવા માટે સમય બદલતા હોય છે.ચારેક મહિના પહેલાં એક સાથે ચાર મોર્નિંગ વોકર્સના અછોડાની લૂંટના બનાવ બન્યા હતા.
આજે બપોરે પોણાબારેક વાગે કારેલીબાગના શિવાલય ચાર રસ્તાથી વાઘેશ્વરી સોસાયટીની વચ્ચે બનેલા બનાવમાં રાધાબેને કેવલભાઇ દેસાઇ(વૃન્દાવન પાર્ક, બ્રાઇટ સ્કૂલના ખાંચામાં,કારેલીબાગ) સ્કૂટર પર પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક લઇ આવેલો અછોડા તોડ તેમના ગળામાંથી ૧૦ થી ૧૨ ગ્રામનો અછોડો લૂંટી ફરાર થઇ ગયો હતો.
ઉપરોક્ત બનાવ બન્યો તે જ અરસામાં નજીકના મીરા ચારરસ્તાથી આનંદનગર તરફ સ્કૂટર પર જતા પ્રયંકાબેન પિત્રોડા (સ્વામિનારાયણ નગર-૪,કારેલીબાગ)નો એક તોલાનો અછોડો લૂંટીને બાઇક સવાર લૂંટારો ફરાર થઇ ગયો હતો.લૂંટારાએ મહિલાને ધક્કો મારતાં તે પડી ગઇ હતી.ઉપરોક્ત બંને બનાવ અંગે કારેલીબાગના પીઆઇ ડીવી બલદાનિયાએ જુદીજુદી બે ટીમ બનાવી તપાસ શરૃ કરી છે.
ઉપરોક્ત બંને બનાવ બન્યા ત્યાર બાદ બપોરે ૧૨.૧૫ વાગ્યાના અરસામાં આજવારોડ દિનદયાળ હોલ ચાર રસ્તા પાસેથી પ્રિયંકાબેન હર્ષિતભાઇ મિસ્ત્રી(જય યોગેશ્વર ટાઉનશિપ,આજવારોડ)તેમના નણંદ રીયાબેન સાથે મોપેડ પર કમલાનગર તરફ જતા હતા ત્યારે બાઇક પર આવેલો અછોડા તોડ તેમના ગળામાંથી પાંચ ગ્રામનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયો હતો.આમ,ત્રણેય બનાવમાં એક સરખી પધ્ધતિથી લૂંટ કરવામાં આવી હોવાથી એક જ આરોપીની સંડોવણી હોવાનું માની શકાય છે.