અલકાપુરીમાં બે અછોડા વેચવા ફરતો અછોડાતોડ પકડાયો,અકોટામાં વધુ એક અછોડાની લૂંટ
વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં અછોડા વેચવા ફરતા એક અછોડાતોડને પોલીસે ઝડપી પાડી તેના સીકલીગર સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
અલકાપુરી વિસ્તારમાં એક ગુનેગાર અછોડા વેચવા માટે પ્રયાસ કરી રહ્યો છે તેવી માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે ચંદન દયાશંકર રાજપૂત(ભાથુજી નગર,ખોડિયાર નગર પાસે) ને ઝડપી પાડયો હતો.
આરોપી પાસે મળેલી બે ચેન બાબતે પોલીસે તપાસ કરતાં ેતેણે તા.૧લીએ વાઘોડિયા રોડ ગુરૃકુલ ચાર રસ્તા પાસે સાંજે વોક માટે નીકળેલા દંપતી પૈકી પુરૃષના ગળામાંથી બે તોલાનો અછોડો તોડયો હોવાની તેમજ આવી જ રીતે હરણીરોડ મીરા સોસાયટી વિસ્તારમાં તા.૭મીએ વહેલી સવારે વોક માટે નીકળેલા મનિષાબેન ભદ્રેના ગળામાંથી અછોડો તોડયો હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસે તેની પાસે બે અછોડા ઉપરાંત બાઇક અને મોબાઇલ જેવી ચીજો કબજે કરી કપૂરાઇ તેમજ કારેલીબાગ પોલીસને સોંપવા તજવીજ કરી છે.આરોપી સામે અગાઉ લૂંટ અને ખૂનના પ્રયાસ તેમજ ચોરીના ગુના નોંધાયેલા હતા.પોલીસે તેને પાસા હેઠળ જેલમાં પણ મોકલ્યો હતો.
અકોટામાં રાતે ચાલવા નીકળેલી મહિલાનો અછોડો તૂટયો,મહિલાએ અછોડો પકડી લેતાં અડધો બચી ગયો
અકોટા વિસ્તારમાં ગઇરાતે ચાલવા માટે નીકળેલી મહિલાનો અછોડો તૂટવાનો વધુ એક બનાવ બન્યો હતો.
અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી નજીક હરિપુરા ખાતે રહેતા નયનાબેન દલવાડીએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે હું મારી ભત્રીજી સાથે ચાલવા નીકળી હતી ત્યારે ઉર્મી ચાર રસ્તા પાસે સ્કૂટર પર આવેલા બે જણા પૈકી એકે મારો અછોડો તોડયો હતો.
મેં અછોડો પકડી લેતાં મારા હાથમાં અડધો અછોડો રહી ગયો હતો.જ્યારે લૂંટારા અડધો તોલોનો અછોડો લઇ ગયા હતા.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.