માંજલપુરના બળાત્કારના કેસમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
અગાઉ મહિલાએ માંજલપુર પોલીસને હકીકત જણાવી હોવાછતાંય પોક્સોની કલમ લગાવી નહતી
વડોદરા,શહેરની મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધનાર કોલકત્તાના આરોપીએ મહિલાની દીકરી સાથે પણ શારીરિક અડપલા કર્યા હતા. જે - તે સમયે માંજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો નહતો. આ સમગ્ર પ્રકરણની તપાસ ડીસીપીને સોંપ્યા પછી આજે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અને તે બાદ મહિલાની દીકરીને પણ અડપલા કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપીને પકડી લાવવા વકીલ દ્વારા રૃા.૧.૫૫ લાખની રકમ પડાવી કલકત્તાથી પ્લેનમાં લાવવાની કાર્યવાહી અંગે ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનર અને એ.સી.બી.માં ફરિયાદ આપી હતી. પોલીસ કમિશનરે બે ભાગમાં તપાસ સોંપી છે અને જવાબદાર મહિલા પી.એસ.આઇ. આર.એન. ચૂડાસમાની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઇ છે.
મકરપુરા વિસ્તારની મહિલાએ પોતાની પર બળાત્કાર થયાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસ આરોપી પ્રણવ પ્રસાદ કુમાર મોંડલને પકડી લાવી હતી. પીએસઆઇ ચુડાસમાએ ફરિયાદી પાસેથી, આરોપીની ધરપકડ માટે ફ્લાઇટની ટિકિટ કલકત્તાથી અમદાવાદ બુક કરાવવા ૧.૫૫ લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ પોલીસ કમિશનરની કચેરીમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, મારી પર બળાત્કાર થયા અંગે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીે. આરોપીએ મારી દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાછતાંય તપાસ અધિકારીએ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો નથી. પીએસઆઇ આર.એન. ચુડાસમાએ મને બોલાવીને કહ્યું હતું કે , તમારું ઘણું બધું કામ પતાવી દીધું છે. હવે તમારે સમજવું પડશે. તમારા વકીલ સાથે હું વાત કરી લઈશ . ત્યારબાદ મને વોટસએપ કોલ કરી ઘણી વખત રૃપિયાની માંગણી કરી હતી. જેથી, વકીલના મોબાઈલ નંબર ઉપર નાણીં ટ્રાન્સફર કર્યા હતા.
પોલીસ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ ડી.સી.પી. (ઝોન-૩) લિના પાટિલને સોંપી હતી. ડીસીપીએ આજે મહિલાનું નિવેદન લીધું હતું. તેના આધારે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.