આણંદમાં એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
કલેક્ટર કચેરીમાં અરજી કરાઈ હતી
કરમસદના વ્યક્તિએ ખરીદેલી જમીન ઉપર કબજો જમાવી ધમકી આપતો હતો
આણંદ: કરમસદના વ્યક્તિએ વર્ષ ૨૦૧૯માં આણંદમાં આવેલી એક બીન ખેતીલાયક જમીન વેચાણથી લીધી હતી. જે જમીન પર અન્ય એક શખ્સે કબજો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કબજો કરનાર શખ્સ ધમકી આપતો હોવા અંગે જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જે સંદર્ભે કમિટીના આદેશને પગલે આણંદ શહેર પોલીસે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કરમસદમાં રહેતા દર્શનભાઈ હરીશભાઈ પટેલે આણંદના સર્વે નં.૯૨૩/૧ શીટ નં.૨૦, ટી.પી.૧ ફા.પ્લોટ નં.૧૩૯વાળી બીનખેતીલાયક જમીન પૈકી પૂર્વ દિશા બાજુની ક્ષે.૧૫૧.૩૩.૩૭ ચોમી ખુલ્લો પ્લોટ મનુભાઈ મોતીભાઈ પટેલ પાસેથી ગત તા.૧૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ વેચાણ દસ્તાવેજ કરી ખરીદ્યો હતો. જેની ફેરફાર નોંધ તા.૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પડી ગયેલી હતી.
બાદમાં દર્શનભાઈ મિત્ર મોહસીનભાઈ ઈસ્માઈલભાઈ વ્હોરાના સાથે આ જમીન જોવા જતા આ જમીન ઉપર પીટરભાઈ પુરણભાઈ મિસ્ત્રીએ કબ્જો કરેલો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દર્શનભાઈએ પીટરભાઈને આ પ્લોટ મે ખરીદ્યો છે તેમ જણાવતા પીટરભાઈએ આ મારો પ્લોટ છે અને અહીંયા વર્ષોથી રહું છું તેમ જણાવી ગમે તેમ બોલવા લાગ્યા હતા. જેથી બંને મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ અવારનવાર પ્લોટના હક માટે પીટરભાઈને મળવા જતા તે ધમકી આપતો હતો. આ અંગે તેમણે તા. ૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી. જે સંદર્ભે કમિટીએ આણંદ શહેર પોલીસને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા આદેશ કરતા પોલીસે પીટરભાઈ પુરણભાઈ મિસ્ત્રી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.