સયાજી હોસ્પિટલમાં મારામારી અને તોડફોડ કરનાર સામે ગુનો દાખલ

માથાભારે હુસેન સુન્નીએ બોટલ ચઢાવવાનું લોખંડનું સ્ટેન્ડ ઉંચકી તોડફોડ કરી હતી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલમાં મારામારી અને તોડફોડ કરનાર સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,મંગળવારની મોડી રાતે સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં માથાભારે હુસેન સુન્ની અને અન્ય લોકોને ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં બંને પક્ષના લોકો ભેગા થઇ જતા ફરીથી મારામારી થઇ હતી. અને ઉશ્કેરાયેલા લોકોએ હોસ્પિટલમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. રાવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડયો હતો.  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ૧૨ આરોપીઓને ઝડપી પાડયા છે.

હાથીખાના  કબીર ચિકન શોપ પાસે મંગળવારે રાતે મારામારી થતા ઇજાગ્રસ્ત હુસેન કાદરમીંયા સુન્ની તથા જાવેદ જીનુભાઇ શેખ ( બંને રહે. કાસમઆલા કબ્રસ્તાન, કારેલીબાગ)ને સારવાર માટે પોલીસે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં બંને  પક્ષના લોકો ભેગા થઇ  જતા ફરીથી મારામારી થઇ હતી. ઇજાગ્રસ્ત હુસેન સુન્નીએ બોટલ ચઢાવવાનું સ્ટેન્ડ ઉંચકીને એક વ્યક્તિને મારી દીધું હતું. અને હોસ્પિટલનો સામાન વેરવિખેર  કરી દીધો હતો. જેથી, ત્યાં હાજર ડોક્ટર દ્વારા પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. પોલીસે જરૃરી બળ વાપરીને લોકોને છૂટા પાડયા હતા. પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી ૧૨ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસે (૧)  જાવેદ અબ્દુલ લતીફ શેખ (૨) રૃકસારબાનુ જાવેદભાઇ શેખ ( બંને રહે. ઇન્દિરા નગર, કાસમઆલા કબ્રસ્તાન) (૩) સમીર જીનુભાઇ શેખ  (૪) આસિફ અબ્દુલ લતીફ શેખ (બંને રહે.યાકુબપુરા, ભોંઇવાડા)  (૫) અબ્દુલ કાદીર ઇબ્રાહિમભાઇ શેખ (૬) સમીર ઉર્ફે પપ્પુ ઇસ્માઇલખાન પઠાણ ( બંને રહે.હાથીખાના) (૭) યુનુસ બચુભાઇ સુન્ની  (૮) સિકંદર કાદરમીંયા સુન્ની (૧૦) ઉસ્માન યુનુસભાઇ સુન્ની (૧૧) હસન કાદરમીંયા સુન્ની ( તમામ રહે.કાસમઆલા કબ્રસ્તાન)(૧૨) નિલોફર શબ્બીરભાઇ પરમાર (રહે. વડગામ, જંબુસર) ને ઝડપી પાડયા છે. 


સતત બીજા દિવસે સયાજી હોસ્પિટલમાં 

સાસુ અને વહુ  વચ્ચે તકરાર થતા મામલો ગરમાયો

હોસ્પિટલમાં હાજર સ્ટાફે સમજાવટથી મામલો થાળે પાડયો

વડોદરા,મંગળવારે રાતે સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં મારામારીની ઘટના પછી બુધવારે રાતે ફરીથી  પિડિયાટ્રિક વિભાગમાં નજીવી બાબતે દર્દીના સગાઓ વચ્ચે ઝઘડો થયો હતો.

કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેના સાગરીતો તથા સામા પક્ષના જાવેદ શેખ અને તેના સાગરીતો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. સિક્યુરિટી જવાનની હાજરી છતાં લોકોએ તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ત્યારબાદ પિડિયાટ્રિક વિભાગમાં ગઇકાલે નાના બાળકની સારવાર માટે આવેલી મહિલા અને તેની સાસુ વચ્ચે ઝઘડો થતા મામલો ગરમાયો હતો. જોકે, સ્થળ પર હાજર  સ્ટાફે સંબંધીઓને છૂટા પાડી મામલો શાંત  પાડયો હતો. જેના કારણે વાત વધુ વણસી નહતી.


Google NewsGoogle News