૧૪ વર્ષની કિશોરીનો પીછો કરી હેરાન કરતા યુવક સામે ગુનો દાખલ
આરોપીના કહેવાથી કિશોરીએ ઘર છોડયું પણ આરોપી આવ્યો જ નહીં
વડોદરા,૧૪ વર્ષની કિશોરીનો પીછો કરી હેરાન કરતા યુવક સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. કિશોરીને ઘરેથી નીકળી જઇ પોતાની સાથે આવવાનું કહેતા કિશોરી ઘરેથી નીકળી ગઇ હતી. જે અંગે અપહરણનો અલગથી ગુનો પોલીસે દાખલ કર્યો છે.
શહેરના વાડી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ધો.૧૦ માં અભ્યાસ કરે છે. ગત ૧૩ મી તારીખે સ્થાનિક રહીશે તેના પિતાનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, તમારી દીકરી ઘરની આગળના રૃમમાં એકલી ઊંઘે છે તો તમે ધ્યાન આપો તે કોની જોડે સંપર્કમાં છે ? તેના નંબરની કોલ ડિટેલ કઢાવી તપાસ કરો. ત્યારબાદ માતાએ દીકરીને પૂછતા તેણે જણાવ્યું કે, આપણે એપ્રિલ મહિનામાં દમણ ગયા ત્યારે વાસુ લચ્છુમલ સદારંગાણી પણ દમણ આવ્યો હતો. તેણે મારો મોબાઇલ નંબર લીધો હતો. ત્યારબાદ હું જ્યારે ટયુશન ક્લાસમાં જતી હતી ત્યારે વાસુ રસ્તામાં આવી મારી સામે જોઇને કહેતો કે, તું મને બહુ ગમે છે. તે મને એવી ધમકી આપતો હતો કે, તું મારી સાથે વાતચીત નહી ંકરે તો તારા માતા - પિતાને જાનથી મારી નાંખીશ. જેથી, હું તેની સાથે વાતચીત કરતી હતી. એક દિવસ તે મને એક એપોર્ટમેન્ટમાં લઇ ગયો હતો. તેણે મારા ખભા પર હાથ ફેરવી કહ્યું કે, તું મારી સાથે રૃમ પર આવીશ. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઇ હતી. બીજી વખત પણ તેણે આ રીતે કર્યુ હતું.
ત્યારબાદ કિશોરીને તેના માતા - પિતાએ વાસુ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. ગત તા. ૩૦ મી ઓગસ્ટે કિશોરી ઘરેથી કોઇને કશું કહ્યા વિના જતી રહી હતી. ત્યારબાદ તે પરત મળી આવતા તેને માતા - પિતાએ પૂછતા જણાવ્યું હતું કે, વાસુએ મને ઘરેથી ભાગીને તેની સાથે આવવા કહ્યું હતું. જેથી, હું ઘરેથી નીકળી ગઇ હતી.મે ંવાસુને ફોન કરતા તે મારી સાથે આવ્યો નહતો.