પોલીસે ડિટેન કરેલી બાઇક લઇ જનાર સામે ગુનો દાખલ
મેમો ભર્યા સિવાય જ બાઇક લઇ ગયો : સીસીટીવીમાં દેખાયો
વડોદરા,ટ્રાફિક પોલીસે ડિટેન કરેલી બાઇક દંડ ભર્યા વિના લઇ જનાર સામે સયાજીગંજ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસે બાઇક ચાલક મહેન્દ્રભાઇ ભાઇલાલભાઇ સોલંકી ( રહે. વાસણા કોતરિયા ગામ, તા.વડોદરા) ની બાઇક ડિટેન કરી હતી. તેઓને મેમો આપવામાં આવ્યો હતો. દંડ ભરીને તેની પાવતી આપી વાહન લઇ જવાનું કહેવામાં આવ્યું હતું. આ બાઇક સયાજીગંજ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાર્ક કરવામાં આવી હતી. ગત ૨૪ મી તારીખે કંપાઉન્ડમાં ચેક કરતા ડિટેન કરેલી બાઇક મળી આવી નહતી. સીસીટીવી ચેક કરતા જણાઇ આવ્યું હતું કે, જે વ્યક્તિને મેમો આપ્યો હતો. તે જ વ્યક્તિ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં આવીને બાઇક લઇ જતો દેખાયો હતો. જેથી, પોલીસે મહેન્દ્રભાઇ સોલંકી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.