દબાણ શાખાના સ્ટાફ પર હુમલો કરનાર ટોળા સામે ગુનો દાખલ
માથાભારે તત્વોને પોલીસ કે કાયદાનોકોઇ ડર જ નથી રહ્યો : પોલીસ માટે શરમજનક
પોલીસની હાજરીમાં ફરીથી હુમલો
વડોદરા,નવાપુરા વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી કરવા માટે ગયેલા દબાણ શાખાના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી ટોળાએ આપી હતી. જે અંગે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તરસાલી બાલાજી રેસિડેન્સીમાં રહેતા મોન્ટુ ભાસ્કરરાવ દેશલ કોર્પોરેશનની દબાણ શાખામાં એન્ક્રોચમેન્ટ ઇન્સપેક્ટર તરીકે નોકરી કરે છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે ૧૦ વાગ્યે અમે આર.વી.દેસાઇ રોડ પર દબાણો હટાવવાની કામગીરી શરૃ કરી હતી. ત્યારબાદ નવાપુરા મહેબૂબપુરા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવા માટે ગયા હતા. સાડા બાર વાગ્યે મહેબૂબપુરામાંથી ૧૦ થી ૧૫ લોકો આવી ગયા હતા. તેઓ ટ્રક પર ચઢી ગયા હતા. ટ્રકની અંદર મૂકેલી કેબિન નીચે ફેેકવા લાગ્યા હતા. તેઓએ અમારી સાથે ઝપાઝપી કરી બોલાચાલી કરી હતી.અમારી સાથેના હરિન ચુનારાને શક્તિ કૃપા સર્કલ પાસે ઇઁડાની લારી ચલાવતા અખતરમીયા ઉર્ફે અક્કુ યાકુબમીંયા શેખે ત્રણ લાફા મારી દીધા હતા. દરમિયાન પોલીસનો સ્ટાફ આવી જતા આરોપીઓ ભાગી ગયા હતા. ટોળામાંથી એક વ્યક્તિએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરીમાં જ હુમલા થાય છે. માથાભારે તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર જ રહ્યો નથી. દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગઇ હોવાછતાંય સ્ટાફ પર હુમલો થાય તે બાબત પોલીસ માટે અત્યંત શરમજનક છે.