લમણે રિવોલ્વર ટેકવી ટ્રિગર દબાવી આપઘાત કરનાર યુવક સામે ગુનો દાખલ
યુવકને રિવોલ્વર આપનાર વસંત ભૈયા સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,કોયલી ગામમાં રહેતા ૨૩ વર્ષના યુવકે લમણે રિવોલ્વર ટેકવી ટ્રિગર દબાવી આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવમાં પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, અલ્તાફભાઇ ગુલામનબી રણા ( રહે. એકતા નગર, કોયલી ગામ) ની સાથે રહેતા તેના ભાણેજ સમીર મકસુદભાઇ રાઠોડે ( મૂળ રહે. નાપાડ ગામ, તા. આણંદ) જાતે જ ફાયરિંગ કરી મોતને વહાલું કરી લીધું હતું. જે કેસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, સમીરે વર્ષ - ૨૦૧૯ માં આ રિવોલ્વર યુ.પી.ના વસંત ભૈયા પાસેથી લીધી હતી. પોલીસને એક પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જેથી, જવાહર નગર પોલીસે સમીર અને વસંત ભૈયા સામે ગુનો દાખલ કર્યો છે. રિવોલ્વર વેચનાર વસંત ભૈયાની શોધખોળ પોલીસે શરૃ કરી છે. તેમજ કબજે કરેલી રિવોલ્વરનો અગાઉ ક્યાંય ઉપયોગ થયો છે કે કેમ ? તે દિશામા પણ પોલીસે તપાસ હાથ ધરી છે.