બૂૂમબરાડા પાડી ગાળો બોલી પોલીસ સ્ટેશન માથે લેનાર સામે ગુનો દાખલ
તમે મારૃં સમન્સ બજાવ્યું નથી, સંતાડી દીધું છે, તમે પોલીસવાળા કામ કરતા નથી
વડોદરા,બૂમ બરાડા પાડી પોલીસ સ્ટેશન માથે લઇ પોલીસ સ્ટાફને ગાળો ભાંડનાર સામે ગુનો દાખલ કરી માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.એસ.બિહોલા ગઇકાલે સંાજે પોલીસ સ્ટેશનમાં હતા. તે દરમિયાન છ વાગ્યે એક શખ્સ પોલીસ સ્ટેશન આવ્યો હતો.પી.એસ.આઇ. બિહોલા અને સ્ટાફને તે મોટેથી બૂમો પાડી કહેવા લાગ્યો હતો કે,તમે પોલીસે મારૃં સમન્શ મને બજાવ્યું નથી. સંતાડી દીધું છે. હું તમને બધાને કોર્ટમાં જોઇ લઇશ. તેણે પી.એસ.આઇ.નું નામ અને બક્કલ નંબર પૂછતા તેઓએ પોતાના નામ અને બક્કલ નંબર જણાવ્યા હતા. પોલીસે તેને કહ્યું કે, તમે શા માટે ગુસ્સે થાવ છો ? તમે વાત કરો તો અમે તમારી મદદ કરી શકીએ. પરંતુ, તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને બોલવા લાગ્યો હતો કે, તમે બધા પોલીસવાળા કામ કરતા નથી. તેણે પોલીસને ગાળો ભાંડી હતી.પોલીસે આ શખ્સ કરણસિંહ સુમેરસિંહ ઠાકોર ( રહે. વક્રતુંડ એન્કલેવ, સી.એમ. પટેલ ફાર્મ, અટલાદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, કરણસિંહ સામે વર્ષ - ૨૦૨૧ માં છોટાઉદેપુરમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન તાજેતરમાં તેણે પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેની સામે ગુનો દાખલ થયો હોવાથી પોલીસે પાસપોર્ટ અંગે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જેથી, કરણસિંહે છોટાઉદેપુર કોર્ટમાં અરજી કરી હતી. તે કેસના સમન્શ બાબતે તેને નારાજગી હતી.