તું મને રોકનાર કોણ..તેમ કહી કાર ચાલકે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર માર્યો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
તું મને રોકનાર કોણ..તેમ કહી કાર ચાલકે ટ્રાફિક બ્રિગેડના જવાનને માર માર્યો 1 - image

વડોદરાઃ ઓ પી રોડ વિસ્તારમાં ગઇકાલે સાંજે ટ્રાફિક બ્રિગેડના જવાન પર હુમલો કરનાર કાર ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.

પાદરાના વિશ્રામપુરા ખાતે રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાન કાર્તિક કુમાર કંચનભાઇએ પોલીસને કહ્યું હતું કે,ગઇકાલે સાંજે હું એલઆરડી પલ્લવીબેન સાથે ફરજ પર હતો ત્યારે ઓપી રોડ વોર્ડ નંબર ૬ની ઓફિસ પાસેના ત્રણ રસ્તા પાસે વાહન વ્યવહાર વધુ હોવાથી અમે ટ્રાફિકનું નિયમન કરતા હતા.

આ વખતે મનિષા સર્કલ થી આવતા વાહનોને રોકતાં એક કાર ચાલક ઉભો રહ્યો નહતો.જેથી હું તેની નજીક ગયો હતો.આ કાર ચાલકે હોર્ન મારી મને જવા દે તેમ કહેતાં મેં હાથથી થોડી વાર રોકાઇ જવા કહ્યું હતું.જેથી તે રસ્તામાં કાર છોડી મારી પાસે આવ્યો હતો.

તેણે તું મને રોકવા વાળો કોણ તેમ કહી બે-ત્રણ લાફા અને છાતીમાં મુક્કા માર્યા હતા.જેથી મહિલા પોલીસ કર્મચારીએ કંટ્રોલને જાણ કરતાં નજીકની પોલીસ આવી ગઇ હતી અને કારચાલકને અટકમાં લઇ પૂછપરછ કરતાં તેનું નામ રીઝવાન દાઉદભાઇ પઠાણ(શકીલા પાર્ક સોસાયટી,તાંદલજા) હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News