વડોદરા પાસે સુખલીપુરા ગામે જાંબાઝ મહિલાએ મગર સાથે ફાઇટ કરી જીવ બચાવ્યો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
વડોદરા પાસે સુખલીપુરા ગામે જાંબાઝ મહિલાએ મગર સાથે ફાઇટ કરી જીવ બચાવ્યો 1 - image

વડોદરાઃ વડોદરા નજીક સુખલીપુરા ગામે આજે બપોરે મગરથી ઢોરને બચાવવા જતાં પોતે મગરના મોંઢામાં ફસાઇ હતી.પરંતુ જાંબાઝ મહિલાએ મગર સાથે જીવસટાસટીનો જંગ ખેલી પોતાની જાતને બચાવી લીધી હતી.

સુખલીપુરા ગામે બનેલા બનાવની વિગત એવી છે કે,સૂર્યા નદીમાં ઢોર નાહવા અને પાણી પીવા માટે ઉતર્યા હોવાથી ઉર્મિલા સુરેશભાઇ પરમાર નામની ૩૮ વર્ષીય ઢોર કાઢવા માટે હાથમાં કુહાડી લઇને ગઇ હતી.

 આ વખતે એકાએક આઠેક ફૂટના મગરે તરાપ મારી મહિલાને પેટના ભાગેથી પકડી લીધી હતી.મહિલા પણ પહેલેથી સતર્ક હતી અને તેણે હાથમાંની કુહાડી મગરના મોંઢે ઝીંકી દેતાં મગરની પકડ છૂટી હતી.ત્યારબાદ મગરે ફરીથી મગરે તેને જાંઘના ભાગે બચકું ભરતાં મહિલાએ ફરી કુહાડી ઝીંકી હતી.

મગરે હાથના ભાગે મહિલાને પકડતાં બૂમરાણ સાંભળી અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા.મહિલાની મગર સાથે ફાઇટ ચાલુ હતી ત્યારે લોકોએ હાકોટા પાડી,પથરા મારી અને લાકડીઓ પછાડતાં મગર મહિલાને છોડીને ફરાર થઇ ગયો હતો.ઇજાગ્રસ્ત મહિલાને સારવારાર્થે સયાજી સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી.

સૂર્યા નદીમાં આઠેક મગરો હોવાથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવે છે

બેવર્ષ પહેલાં સુમિત્રા પણ મગરના મોંમાંથી બચી હતી છતાં સહાય મળી નથી

સુખલીપુરા ગામ પાસેથી પસાર થતી સૂર્યા નદી વિશ્વામિત્રીમાં મળતી હોવાથી તેમાં પણ મગરો વસવાટ કરી રહ્યા છે.

બે વર્ષ પહેલાં સુમિત્રા પાટણવાડિયા નામની મહિલા પર મગરે આવી જ રીતે હુમલો કર્યો હતો.જેમાં બચી ગયેલી મહિલાને શરીરે એક હાથે કાયમી ખોડ રહી ગઇ છે. સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગમાં સહાય માટે કાગળો રજૂ કરવામાં આવ્યા હોવા છતાં હજી મહિલાને સહાય મળી નથી.

સરપંચ નવનીતભાઇ પરમારે કહ્યું હતું કે,સૂર્યા નદીમાં છ થી આઠ મગરો છે.જેને કારણે ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.


Google NewsGoogle News