થ્રી વ્હીલ ટેમ્પામાં દારૃ ભરીને ઉભેલો બૂટલેગર ઝડપાયો
મનોજ કહાર સામે ૧૯ વર્ષમાં ૪૧ ગુનાઓ નોંધાયા : દારૃની ૪૮૦ બોટલ કબજે
વડોદરા,કારેલીબાગમાં રહેતા અને દારૃનો ધંધો કરતા બૂટલેગરને પીસીબી પોલીસે કારેલીબાગ મુક્તાનંદ પાસેના એક કોમ્પલેક્સના બેઝમેન્ટમાંથી ઝડપી પાડયો છે.
કારેલીબાગ પાર્વતી નગરમાં રહેતો મનોજ કહાર થ્રી વ્હીલ ટેમ્પામાં વિદેશી દારૃ ભરીને લાવ્યો છે. તેણે દારૃ ભરેલો ટેમ્પો કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા શુકન અનંતા કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાર્ક કર્યો છે. આરોપી હાલમાં ત્યાં જ ઉભો છે. તેવી માહિતી પીસીબી પોલીસને મળતા પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી મનોજ રામચંદ્ર કહાર ( રહે. પાર્વતી નિકેતન સોસાયટી, આર્યકન્યા વિદ્યાલય પાછળ, કારેલીબાગ) ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃની ૪૮૦ બોટલ કિંમત રૃપિયા ૪૮ હજારની તથા દોઢ લાખનો ટેમ્પો કબજે કર્યો છે. આરોપી મનોજ કહાર સામે અગાઉ ૪૧ ગુનાઓ નોંધાયા છે. આ કેસમાં પોલીસે નવાયાર્ડમાં રહેતા રૃબીન ઉર્ફે કટ્ટે ને વોન્ટેડ જાહેર કર્યો છે.