બૂટલેગરે ખેતરમાં ખાડો કરીને વિદેશી દારૃનો જથ્થો સંતાડયો
પોલીસે રેડ કરીને દારૃની ૫૪૬ બોટલ તથા બિયરના ૬૩ ટીન કબજે લીધા
વડોદરા, જાંબુવા તરસાલી રોડ પર આવેલા ખેતરમાં બૂટલેગરે સંતાડી રાખેલો વિદેશી દારૃનો જથ્થો પીસીબી પોલીસે કબજે કર્યો છે. જ્યારે બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, દ્વારકેશ હાઇ વ્યૂમાં રહેતા બૂટલેગર વિજય ઠાકરડાએ તરસાલી જાંબુવા રોડ સાંવરિયા ધાબા પાછળ દિલીપભાઇ ઇશ્વરભાઇ પટેલના ખેતરમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે. અને ગ્રાહકોની શોધમાં છે. જેથી, પીસીબી પી.આઇ.એસ.આર.પટેલની સૂચના મુજબ, સ્ટાફના અરવિંદભાઇ તથા અન્યએ ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ખેતરમાંથી વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીએ દારૃનો જથ્થો ખેતરમાં ખાડો કરીને દાટેલા પીપળાની અંદર સંતાડી રાખ્યો હતો.પરંતુ, બૂટલેગર વિજય ઠાકરડા મળી આવ્યો નહતો. પોલીસે રૃપિયા ૬૯,૧૦૦ ની કિંમતની દારૃની વિવિધ બ્રાંડની ૫૪૬ બોટલ તથા બિયરના ૬૩ ટીન કબજે કર્યા હતા. બૂટલેગર વિજય ઠાકરડા સામે છેલ્લા નવ વર્ષમાં દારૃના ૧૩ ગુનાઓ નોંધાયા છે. વડોદરાના પોલીસ સ્ટેશન ઉપરાંત ગોધરા તાલુકા, વેજલપુર તથા વરણામા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે પ્રોહિબીશનના ગુનાઓ દાખલ થયા છે.