એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઇ ગયું હતું
બોટની આગળના ભાગે કોઇને બેસાડવાના હોતા નથી, ત્યાં ૧૦ બાળકોને બેસાડી દીધા હતા
બોટમાં બેલેન્સ જળવાઇ રહે તેવી કોઇ તકેદારી ના રખાઇ
વડોદરા,હરણી બોટ દુર્ઘટના સર્જાવા પાછળ ટેકનિકલ ખામીને શોધવા પોલીસની એક ટીમ કાર્યરત હતી. એફ.એસ.એલ. તથા પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બોટની ક્ષમતા એક ટન વજનની હતી.પરંતુ, બોટમાં દોઢ ટન જેટલું વજન થઇ ગયું હતું.
હરણી તળાવમાં બોટમાં કેપેસિટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બચી ગયેલા શિક્ષિકા અને બાળકોના નિવેદન પરથી એવી વિગતો જાણવા મળી છે કે, બોટમાં આગળના ભાગે ૧૦ બાળકોેને બેસાડવામાં આવ્યા હતા. જ્યારે તે જગ્યા ખાલી રાખવાની હોય છે. જેના કારણે ટર્ન લેતા સમયે બોટનું બેલેન્સ રહ્યું નહતું. આગળના ભાગે વજન વધી જતા બોટમાં પાણી ભરાવવાનું શરૃ થયું હતું. બોટ બનાવનાર કંપની તથા એફ.એસ.એલ.ની પણ મદદ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવા માટે લેવામાં આવી હતી. બોટની ક્ષમતા એક ટન વજનની હતી. મોતને ભેટેલા બાળકો, શિક્ષિકા, બચી ગયેલા બાળકો અને શિક્ષિકાઓના અંદાજીત વજન, બોટ ઓપરેટર, બોટની અંદર રહેલો સામાન, સ્કૂલ બેગ વગેરેની ગણતરી કરતા બોટનું વજન દોઢ ટન થઇ ગયું હતું.
બોટમાં બેેલેન્સ જળવાઇ રહે તે રીતે લોકોને બેસાડવાના હોય છે.પરંતુ, તે વાતને પણ નજરઅંદાજ કરવામાં આવી હતી. જ્યાં જગ્યા મળી ત્યાં બાળકો અને શિક્ષિકાઓને બેસાડી દેવામાં આવ્યા હતા.