હરણી વિસ્તારમાં સફાઇ કરાવતા સોસાયટીના રહીશોને ભાજપના કોર્પોરેટરની ધમકી
માથાકૂટ થતા મામલો હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યો : હરણી પી.આઇ.એ પણ બનાવ પર ઢાંક પીછોડો કરી જુઠ્ઠાણું ચલાવ્યું
વડોદરા,શહેરના વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી. નિષ્ફળ ગયેલા તંત્રના કારણે શહેરીજનોનો રોષ સાતમા આસમાને છે. તેવા સંજોગોમાં ભાજપના કોર્પોરેટર હરણી વિસ્તારમાં એક પ્લોટના વિવાદમાં ઝઘડો કરવા પહોંચી જતા સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થઇ હતી. સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ, હરણી પોલીસ સ્ટેશનના પી.આઇ. એ આવી કોઇ ઘટના બની નહીં હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
માંજલપુર વિસ્તારના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ વર્ષોથી વિવાદમાં રહ્યા છે. ચેક રિટર્નના કેસમાં સજા થવા ઉપરાંત તેમની સામે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે. કાયમ વિવાદમાં ઘેરાયેલા કોર્પોરેટર કલ્પેશ પટેલ આજે ફરીથી વિવાદમાં સપડાયા હતા. શહેરીજનો પૂરની પીડામાંથી હજી બહાર આવ્યા નથી. લોકોમાં તંત્ર અને ચૂંટાયેલી પાંખ સામે ભારે રોષ છે. ધારાસભ્યો અને કોર્પોરેટરને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સંજોગોમાં હરણી વિસ્તારમાં સુગમ પાર્ક સોસાયટીના એક પ્લોટનો કબજો લેવાના વિવાદમાં ભાજપના વિવાદાસ્પદ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ પોતાના માણસો સાથે પહોંચી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો સાથે માથાકૂટ થઇ હતી. સ્થાનિક રહીશોનું કહેવું હતું કે, આ પ્લોટ સોસાયટીનો કોમન પ્લોટ છે. ત્યાં જે.સી.બી. બોલાવી સાફ સફાઇનું કામ કરાવતા હતા. તે દરમિયાન કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને સોસાયટીમાં રહેતા તેમના ઓળખીતાએ બોલાવી લીધા હતા. તેમણે આવીને ઝઘડો કર્યો હતો. તેમણે એવી ધમકી આપી હતી કે, તમે કામ અટકાવી દો. નહીંતર તમને મારીશું. માથા ફોડી નાંખીશું. અમે કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી ગઇ હતી. છેવટે સમગ્ર મામલો હરણી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હરણી પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વોએ માફી માંગતા સમાધાન કરી લીધું હતું.