મુંબઇની આંગડિયા પેઢીની ૧૪.૮૭ લાખની ચાંદી ભરેલી બેગની ચોરી

સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં સીટ નીચે મૂકેલી ૨૧.૨૪૫ કિલો ચાંદી ભરેલી બેગ રહસ્યમય ચોરી થતાં પોલીસ ફરિયાદ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
મુંબઇની આંગડિયા પેઢીની ૧૪.૮૭ લાખની ચાંદી ભરેલી બેગની ચોરી 1 - image

વડોદરા, તા.15 સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુંબઇથી રાજકોટ જતાં આંગડિયા પેઢીના કર્મચારીની સીટ નીચે મૂકેલી રૃા.૧૪.૮૭ લાખ કિંમતની ૨૧.૨૪૫ કિલોગ્રામ ચાંદી ભરેલી બેગની ચોરી થતાં રેલવે પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા માટે દોડાદોડી શરૃ કરી છે.

મુંબઇના ફોફલવાડી બિલ્ડિંગમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રામચરણ ઉમેદસીંગ તોમરે વડોદરા રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  હું મુંબઇમાં સુર્યા આંગડિયા પેઢીમાં નોકરી કરું છું. તા.૧૪ના રોજ રાત્રે હું ઓફિસ ખાતેથી કાળા રંગની તથા બીજી લીલા રંગની સફેદ લાઇનિંગવાળી પીઠુંબેગ જેમાં સફેદ રંગનો થેલો મૂક્યો હતો તે લઇને રાજકોટ જવા માટે હું તેમજ સ્વામીનારાયણ આંગડિયાપેઢીનો સોનું પરમાર અને લક્ષ્મીનારાયણ આંગડિયા પેઢીનો અલ્પેશ તોમર ટેક્સીમાં બેસીને મુંબઇ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતાં.

સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાં ચડયા હતા અને મારુ રિઝર્વેશન કન્ફર્મ નહી હોવાથી મારી પાસેની બે બેગ તેમજ મારી સાથેના અન્ય બે કર્મચારીઓની બે બેગ મળી કુલ ચાર બેગો સીટ નીચે મૂકી હું કોચના દરવાજા પાસે બેઠો  હતો. બોરીવલી રેલવે સ્ટેશન આવતાં અન્ય પેસેન્જરો ટ્રેનમાં ચડયા હતા જેથી મેં મારી કાળા રંગની બેગ લઇને હું દરવાજા પાસે જઇને બેઠો હતો જ્યારે લીલા સફેદ લાઇનીંગવાળી બેગ સીટ નીચે મૂકી રાખી હતી. ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર આવ્યા બાદ મારી સાથે અમારી આંગડિયા પેઢીનો અન્ય કર્મચારી આકાશ તોમર સુરતથી રાજકોટ જવા મારી સાથે દરવાજા પાસે બેઠો હતો.

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવી હતી પરંતુ દરવાજો બંધ હોવાથી હું નીચે ઉતર્યો ન હતો કે કોઇ કોચમાં આવ્યું ન હતું. ટ્રેન વડોદરાથી ઉપડયા બાદ અન્ય આંગડિયા પેઢીનો કર્મચારી સોનું મારી પાસે આવ્યો હતો અને સીટ નીચે મૂકેલી લીલા રંગની તારી બેગ જણાતી નથી તેમ જણાવતાં હું તાત્કાલિક જોવા માટે ગયો ત્યારે બેગ જણાઇ ન હતી. આજુબાજુ શોધખોળ કરવા છતાં બેગનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે મેં મારા શેઠ વી.આર. પરમારને ફોન કરીને જાણ કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોધાવવાનું કહ્યું હતું. આ બેગમાં રૃા.૧૪.૮૭ લાખ કિંમતની ૨૧.૨૪૫ કિલોગ્રામ ચાંદી હતી.




Google NewsGoogle News