૭૨ વર્ષના વૃદ્ધાના હાર્ટ, લિવર, કિડની અને આંખોનું દાન કરાયું
બ્રેન હેમરેજ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ બ્રેનડેડ જાહેર કરાયા
વડોદરા,સિંધવાઇ માતા રોડ પર રહેતા ૭૨ વર્ષના વૃદ્ધાને બ્રેન હેમરેજ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રેનડેડ જાહેર થયેલી વૃદ્ધાના છ અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
શહેરના સિંધવાઇ માતા રોડ પર રહેતા ૭૨ વર્ષના ત્રિપ્તાદેવી સરૃપચંદ શર્માને ગત શુક્રવારે બ્રેન હેમરેજ થતા નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, વધુ પડતું લોહી જવાના કારણે ડોક્ટરે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા હતા. ડોક્ટર દ્વારા તેમના પરિવારજનોને અંગદાન અંગે સમજાવવામાં આવ્યા હતા કે, દર્દીના શરીરના સારા અંગો થકી અન્ય દર્દીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે. ત્યારબાદ દર્દીના પુત્ર સતિષ, તેમજ બહેન બનેવી દ્વારા અંગોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રેલવે હોસ્પિટલના ડોક્ટર દિપાલી તિવારી દ્વારા જરૃરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. અને આજે સવારે દર્દીનું હાર્ટ, કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. અંગો વહેલીતકે અમદાવાદ હોસ્પિટલમાં પહોંચે તે માટે પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.